ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 ની ફાઇનલ હવે વધુ ખાસ બની ગઈ છે. આ વખતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉંસિલ (ICC) એ ઈનામની રકમ વધારીને ઇતિહાસમાં સૌથી વધુ કરી દીધી છે. 11 થી 15 જૂન દરમિયાન ઈંગ્લેન્ડના લોર્ડ્સ મેદાન પર રમાનારી ફાઇનલમાં જીત મેળવનાર ટીમને 3.6 મિલિયન ડોલર (લગભગ 30 કરોડ રૂપિયા) મળશે, જે અત્યાર સુધીની સૌથી મોટી ઈનામી રકમ છે. છેલ્લી બે આવૃત્તિઓની તુલનામાં આ વખતે ઇનામની રકમ બમણાથી વધુ છે.

જે ટીમ ફાઇનલમાં હારી જાય છે, એટલે કે રનર અપ બને છે, તેને પણ ઘણા પૈસા મળશે, તેને 2.1 મિલિયન ડોલર (લગભગ 17.5 કરોડ રૂપિયા) મળશે, જે પાછલી ચેમ્પિયન ટીમને મળેલી ઇનામી રકમ કરતાં વધુ છે. જણાવી દઈએ કે 2021 WTC ફાઇનલ જીતવા બદલ ન્યુઝીલેન્ડને 1.6 મિલિયન યુએસ ડોલર (લગભગ 13 કરોડ રૂપિયા) મળ્યા હતા અને 2023 માં ચેમ્પિયન બનવા બદલ ઓસ્ટ્રેલિયાને પણ એટલી જ રકમ મળી હતી.

પરંતુ, આ વખતે ફક્ત રનર-અપ ટીમને 17.5 કરોડ રૂપિયાથી વધુ રકમ મળશે. ટીમ ઈન્ડિયા 2021 અને 2023માં રનર-અપ રહી હતી અને ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમને 8-8 લાખ યુએસ ડોલર એટલે કે લગભગ 7 કરોડ રૂપિયા મળ્યા હતા. આ વખતે ટીમ ઈન્ડિયાને ત્રીજા સ્થાને રહેવા બદલ 12 કરોડ રૂપિયા મળશે.

ચોથા સ્થાને રહેલા ન્યુઝીલેન્ડને ઈનામી રકમ તરીકે 1.2 મિલિયન યુએસ ડોલર (લગભગ રૂ. 10.26 કરોડ) મળશે. ઈંગ્લેન્ડ પાંચમા સ્થાને છે અને તેને 9.60 લાખ યુએસ ડોલરની ઈનામી રકમ મળશે જ્યારે છઠ્ઠા સ્થાને રહેલા શ્રીલંકાને 8.4 લાખ યુએસ ડોલરની ઈનામી રકમ મળશે. 9મા અને છેલ્લા ક્રમે રહેલા પાકિસ્તાનને પણ 4.8 લાખ યુએસ ડોલર મળશે. ICC ચેરમેન જય શાહે કહ્યું- આ નિર્ણય ટેસ્ટ ક્રિકેટને વધુ મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું છે.

આ ચેમ્પિયનશિપના ત્રીજા ચક્રમાં અમે રોમાંચક મેચો જોઈ. હવે બે મહાન ટીમો ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. તે ટેસ્ટ ક્રિકેટનો ઉત્સવ છે. લોર્ડ્સ સ્ટેડિયમ પ્રથમ વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલનું આયોજન કરશે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ અને દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ પણ આ ઐતિહાસિક પ્રસંગે રમવા બદલ ખુશી વ્યક્ત કરી.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ઇનામ રકમ
વિજેતા – રૂ. 30.80 કરોડ
રનરઅપ- રૂ. 18.48 કરોડ
ભારત – રૂ. 12.33 કરોડ
ન્યુઝીલેન્ડ – રૂ. 10.27 કરોડ
ઇંગ્લેન્ડ -રૂ. 8.2 કરોડ
શ્રીલંકા -રૂ. 7.19 કરોડ
બાંગ્લાદેશ – રૂ. 6.16 કરોડ
વેસ્ટ ઇન્ડીઝ – રૂ. 5.14 કરોડ
પાકિસ્તાન – રૂ. 4.11 કરોડ