મોહાલી કોર્ટે આજે બળાત્કાર કેસમાં સુનાવણી પૂર્ણ કરી અને સ્વંયભૂ પાદરી બજિંદર સિંહને આજીવન કેદની સજા ફટકારી. જણાવી દઈએ કે સજા સંભળાવવામાં આવી ત્યારે પીડિત મહિલા કોર્ટમાં હાજર હતી. 2018માં મોહાલીના ઝીરકપુરની એક મહિલાએ પાદરી બજિંદર સિંહ પર તેના પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. સજા સંભળાવતા પહેલા પીડિતાએ મીડિયાને જણાવ્યું કે તેણે આ લડાઈ 7 વર્ષ સુધી લડી હતી.

સુનાવણી દરમિયાન પાદરીના વકીલે દયાની અપીલ કરી અને કહ્યું કે તે (બજિન્દર સિંહ) હવે સુધારાના માર્ગે છે, પરંતુ કોર્ટે બચાવ પક્ષની દયા અરજી ફગાવી દીધી અને કહ્યું કે જે વ્યક્તિ પોતાને ધાર્મિક નેતા તરીકે રજૂ કરે છે તે તેમનામાં વિશ્વાસ રાખનારા લોકો સામે આવો ગુનો કરી શકે નહીં. આ ઉપરાંત ન્યાયાધીશે કહ્યું કે ગુનો માફીપાત્ર નથી તેથી તે મૃત્યુ સુધી જેલમાં રહેશે. એટલું જ નહીં, કોર્ટની અંદર બલજિંદર સિંહે સજાથી બચવા માટે ન્યાયાધીશ સમક્ષ ઘણા બહાના બનાવ્યા, તેણે કહ્યું કે તેના નાના બાળકો છે. પરંતુ કોર્ટે તેની વાત ન સાંભળી અને તેને આજીવન કેદની સજા ફટકારી.

સજા સંભળાવ્યા પછી, પીડિતાના પતિએ કહ્યું કે અમને ન્યાયમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને અમે 10-20 વર્ષની સજાની અપેક્ષા રાખતા હતા, પરંતુ આજે કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયથી અમે ખૂબ ખુશ છીએ. છેલ્લા 7 વર્ષથી મેં અને મારા પરિવારે ઘણું સહન કર્યું છે. બજિંદર સિંહ જાતીય સતામણી કેસમાં પીડિતાના વકીલે જણાવ્યું કે, “બજિંદર એક આધ્યાત્મિક નેતા તરીકે લોકપ્રિય હતા. તેમના શિષ્યો તેમને ‘પાપા જી’ કહેતા હતા. જ્યારે આવા વ્યક્તિ દ્વારા આવો ગુનો કરવામાં આવે છે, ત્યારે તેને કડક સજા મળવી જોઈએ. અમે સજાથી સંતુષ્ટ છીએ. તેને તેના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવું પડશે.”

સજા સંભળાવતા પહેલા પીડિત મહિલાએ કહ્યું કે મેં 7 વર્ષથી આ લડાઈ લડી છે અને હવે કોર્ટનો નિર્ણય આવવાનો છે. હું ઈચ્છું છું કે ઓછામાં ઓછી સજા 20 વર્ષની થવી જોઈએ. તેણે જે ક્રૂરતાથી ખોટું કર્યું છે અને લોકોને હજુ પણ મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. ત્યાં હિન્દુ સંગઠનો સાથે સંકળાયેલ કેટલાક લોકો પણ પાદરી સામે વિરોધ કરવા પહોંચ્યા હતા. તેઓ હાથમાં પાદરીની તસવીર પકડીને તેને ફાંસી આપવાની માંગ કરી રહ્યા હતા.