ફૂડ ડિલિવરી કરવા માટે ગયો હતો યુવક મળ્યું દર્દનાક મોત, દરવાજે જતા જ યમરાજ બનીને સામે આવ્યું પાલતુ કૂતરું, જીવ બચાવવા 3જા માળેથી લગાવી છલાંગ

ગરમ ગરમ જમવાનું આપવા પહોંચેલા સ્વિગી ડિલિવરી બૉયે ઘરનો દરવાજો ખખડાવ્યો અને અંદરથી આવ્યું ખુંખાર કૂતરું, જીવ બચાવવા જતા 3જા માળેથી લગાવી છલાંગ, મળ્યું મોત, જુઓ ઘટનાના લાઈવ CCTV ફૂટેજ

આજના સમયમાં ફૂડ ડિલિવરીનું ચલણ વધ્યું છે. આજે મોટાભાગના લોકો પોતાના ઘરમાં બેઠા બેઠા જ ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ફૂડ ઓર્ડર કરીને ગરમ ગરમ જમવાનું મંગાવતા હોય છે, તો ફૂડ ડિલિવરી કરવા વાળાને પણ ઘણીવાર કડવા અનુભવો થતા હોય છે, અને તેમની કહાની સામે આવતા કોઈપણ હેરાન રહી જતું હોય છે.

પરંતુ હાલ ફૂડ ડિલિવરી બોય સાથે જે ઘટના ઘટી છે તે રૂંવાડા ઉભા કરી દેનારી છે. હૈદરાબાદના બંજારા હિલ્સ પીએસ વિસ્તારમાં સ્વિગી ડિલિવરી બોય રિઝવાન પર પાલતુ શ્વાને હુમલો કર્યો હતો. આનાથી ગભરાઈને રિઝવાને ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને બિલ્ડિંગના ત્રીજા માળેથી નીચે પટકાતા તેને ઈજા થઈ હતી. પોલીસે આ મામલે પાળેલા કૂતરાની માલિક શોભના વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હૈદરાબાદના બંજારા હિલ્સ પોલીસ સ્ટેશન વિસ્તારના લુમ્બિની રોક કેસલ એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પડીને ઘાયલ થયેલા સ્વિગી ડિલિવરી બોય રિઝવાનને પાલતુ કૂતરાના હુમલાથી બચવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નીચે પડતા તે ઘાયલ થયો હતો. તેને નજીકની નિમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ચાર દિવસ સુધી જીવન અને મૃત્યુ સામે જંગ લડ્યા બાદ તેનું નિધન થયું હતું.

પોલીસે જણાવ્યું કે સ્વિગી ડિલિવરી બોયે ગ્રાહકનો દરવાજો ખખડાવ્યો. ગેટ ખોલતાની સાથે જ તેનો પાલતુ જર્મન શેફર્ડ કૂતરો ડિલિવરી બોયની સામે કૂદી પડ્યો અને ડિલિવરી બોય પર હુમલો કર્યો. ભય અને ગભરાટના કારણે, ડિલિવરી બોય ભાગવાનો પ્રયાસ કરતી વખતે બિલ્ડિંગ પરથી નીચે પડી ગયો. ત્યારબાદ સ્થળ પર એકઠા થયેલા લોકોએ એમ્બ્યુલન્સ બોલાવી અને ગંભીર હાલતમાં તેને હોસ્પિટલ લઈ ગયા.

બંજારા હિલ્સ પોલીસે જર્મન શેફર્ડ કૂતરાની માલિક શોભના વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ 336 (બેદરકારીથી ઈજા પહોંચાડવી) હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ આ મામલે ઉંડી તપાસ કરી રહી છે. બંજારા હિલ્સ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પી નરેન્દ્રએ જણાવ્યું હતું કે, “સ્વિગીનો ડિલિવરી બોય રિઝવાન જમીન પર પડ્યો હતો. તેને ઈજાઓ થઈ હતી. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.”

Niraj Patel