મોરબી બ્રિજ દુર્ઘટનામાં ભાજપ સાંસદના 12 સંબંધીઓના મોત, અનેક લોકો ચારેબાજુ તરફડિયાં મારતા દેખાય, કેટલાક લોકો નીચે પડ્યા, કેટલાક લટકતા હતા

ગુજરાતના મોરબીમાં રવિવારનો દિવસ માતમના સમાચાર લઇને આવ્યો, મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા 141 જેટલા લોકોના મોત થયા હોવાના અત્યાર સુધી સામે આવ્યા છે. એવું પણ કહેવાઇ રહ્યુ છે કે રેસ્કયુ ઓપરેશન ચાલી રહ્યુ હોવાને કારણે હજુ પણ મૃત્યુઆંક વધે તેવી પૂરેપૂરી શક્યતા છે. ઘણા લોકો આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. સેનાના જવાનો બચાવ કામગીરીમાં જોડાયા છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સહિત ગુજરાતના મુખ્યમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અને પીએમ મોદી પણ ઘટનાનો તાગ મેળવી રહ્યા છે. જણાવી દઇએ કે, આ દુર્ઘટનામાં સાંસદ મોહન કુંડારિયાના 12 જેટલા પરિવારના સભ્યોના પણ મોતને ભેટ્યા છે. સાંસદનાં બહેનના કુટુંબના 12 સભ્યોના મોત થયા છે. સગા બહેનના જેઠાણીના પરિવારના લોકો, ચાર દીકરી ચાર જમાઈ અને સંતાનોના મોત થયા છે.

એક પરિવારનાં 12 સભ્યોનાં મોત થયા હોવાને કારણે ચકચાર મચી ગઇ છે. સાંસદ સતત ખડેપગે છે. હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન યથાવત્ છે. NDRF, આર્મી, ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. નેવી અને એરફોર્સની ટીમ પણ પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાઈ છે. ભાજપના સાંસદ મોહનભાઈએ કહ્યું કે, આ દુર્ઘટના અત્યંત દુ:ખદ છે. હું કાલ સાંજનો અહીં જ છું. 100થી વધારે લોકોની બોડી મળી ચુકી છે. સાંસદે પુલ ખોલવાની પરમિશન ન લેવા મામલે કહ્યું કે,

કોઈ અધિકારી હાજર નથી. જેમની ભૂલ હશે, તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, કોઈને પણ છોડવામાં આવશે નહીં. મોહન ભાઈ કુંડારિયાએ કહ્યું કે, આ દુર્ઘટનાની સચ્ચાઈ 100 ટકા સામે આવશે, કારણ કે આ દુર્ઘટના પર પીએમ મોદી પણ સતત નજર રાખી રહ્યા છે. આ દુર્ઘટનામાં ગુનેગારો વિરુદ્ધમાં IPC કલમ 304, 308, 114 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે.

Shah Jina