વડોદરામાં ઢોરે જે બાળક હજી તો દુનિયામાં જ નથી આવ્યુ તેનો જીવ લઇ લીધો, ગર્ભવતી માતા પર તૂટી પડ્યો દુઃખનો પહાડ

ગુજરાતમાંથી અવાર નવાર રખડતા ઢોરોના ત્રાસના કિસ્સાઓ સામે આવે છે, તેમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે રાજ્ય સરકારે આગામી વિધાનસભા સત્રમાં ઢોર નિયંત્રણનો કાયદો પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો અને માલધારી સમાજના આગેવાનોને મુખ્યમંત્રીએ આ વિશે ખાતરી પણ આપી હતી. પરંતુ રાજયમાં રખડતા ઢોરોનું શું, જેનો નાગરિકો ભોગ બની રહ્યા છે ? સરકારે ચૂંટણી પહેલા પોતાની વોટબેંક બચાવવા બંધ બારણે ખેલ પાડી દીધો હતો પરંતુ હવે રખડતા ઢોરોથી નાગરિકોને કોણ બચાવશે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ત્યારે હાલમાં રખડતા ઢોરનો વધુ એક નાગરિક ભોગ બન્યો હોવાનું સામે આવ્યુ છે. વડોદરામાં જે બાળક હજી તો આ દુનિયામાં આવ્યું નથી તેનો જ રખડતા ઢોરે જીવ લીધો હતો. રખડતા ઢોરે ગર્ભવતી મહિલાને અડફેટે લેતા ગર્ભમાં રહેલા શિશુનું મોત નિપજ્યું હતુ. જે બાદ પરિવારે બીકના માર્યે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું. વડોદરાના સલાટવાડા વિસ્તારની આ ઘટના છે. મનિષા નામની મહિલાને રખડચા ઢોરે અડફેટે લીધી હતી અને તેને કારણે તેને પેટ, પેઢા અને ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

જે બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં તપાસ કરતાં બાળકનું ગર્ભમાં જ મોત થયુ હોવાનું સામે આવ્યુ. આ માહિતીની જાણ સગર્ભાના પરિવારને થતા તેના પર અને પરિવાર પર તો જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યાં બીજી તરફ સ્થાનિક લોકોમાં પણ રોષ વ્યાપી ઉઠ્યો છે. સ્થાનિકોએ ઢોરના માલિક સામે કાર્યવાહીની માંગ કરી છે.

ઉલ્લેખની છે કે, કેટલાક દિવસો પહેલા જ સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ નજીક રખડતા ઢોરે એક વાહનચાલકને અડફેટે લેતા વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.રાજયમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેના કારણે નાગરિકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

Shah Jina