ન્યુયોર્કમાં 10 લોકોને ગોળી ઝીંકી દેનારના આરોપમાં આ વૃદ્ધ ઝડપાયો, તસ્વીર જોઈને ચોંકી જશો

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં મેટ્રો સ્ટેશન પર અંધાધૂંધ ફાયરિંગ કરીને 10થી વધુ લોકોને ઘાયલ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા 62 વર્ષીય આરોપીનું નામ ફ્રેન્ક જેમ્સ છે. કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર તેની તસવીરો પોસ્ટ કર્યા બાદ જેમ્સને મેનહટનના ઈસ્ટ વિલેજમાંથી પકડવામાં આવ્યો હતો. પોલીસે આ ઘટનાને આતંકવાદ સાથે જોડવાની વાતને નકારી કાઢી છે. આરોપીને પકડવા માટે અમેરિકાની સ્થાનિક અને કેન્દ્રીય પોલીસ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. તમને જણાવી દઈએ કે 12 એપ્રિલે ન્યૂયોર્ક બ્રુકલિન સબવે સ્ટેશન પર ફાયરિંગની ઘટના સામે આવી હતી.

ઘટનાના 24 કલાકમાં જ ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકન મીડિયાએ બુધવારે આ જાણકારી આપી. પોલીસે આ ઘટનામાં શંકાસ્પદ તરીકે 62 વર્ષીય ફ્રેન્ક જેમ્સની ઓળખ કરી હતી. CNNએ અહેવાલ આપ્યો કે બે પોલીસ અધિકારીઓએ તેને મેનહટનની એક શેરીમાં જોયો અને તેને કસ્ટડીમાં લીધો. ન્યુ યોર્ક પોલીસ વિભાગના કમિશનરે જણાવ્યું હતું કે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને મંગળવારના હુમલાનો આરોપ મૂકવામાં આવશે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો ફૂટેજમાં જેમ્સ જેવો એક વ્યક્તિ હાથકડી પહેરીને પોલીસની કારમાં બેઠેલો જોવા મળે છે.

હુમલામાં કોઈનું મોત થયું નથી. આ હુમલામાં અન્ય 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. પીડિતોમાંથી કોઈને પણ જીવલેણ ઈજા થઈ નથી. જેમ્સે યુટ્યુબ પર પોતાના ઘણા વીડિયો પોસ્ટ કર્યા હતા. જેમાં તે રાજકીય પ્રહારો કરતા પણ જોવા મળ્યા હતા. જોકે, યુટ્યુબની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવા બદલ બુધવારે તેનું પેજ હટાવી દેવામાં આવ્યું હતું. તેના વીડિયોમાં તે ન્યૂયોર્કના મેયરની ટીકા કરતો પણ જોવા મળી રહ્યો છે. ન્યૂયોર્ક પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના પહેલા 3 મેગેઝીન સાથે ગોળીબારમાં ઉપયોગમાં લેવાયેલ હેન્ડગન મળી આવી હતી.

પોલીસને ઘટનાસ્થળેથી ઈંધણ ભરેલું કન્ટેનર પણ મળી આવ્યું હતું. ન્યૂયોર્ક ટાઈમ્સે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે આરોપી એક કન્સ્ટ્રક્શન વર્કરના કપડામાં મેટ્રો સ્ટેશન પર આવ્યો હતો. તેણે ગેસ માસ્ક પણ પહેર્યો હતો. પોલીસે હુમલાખોર પર 50 હજાર ડોલર એટલે કે લગભગ 38 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. પોલીસે જાહેર નોટિસ જારી કરીને કહ્યું હતું કે જો કોઈ આ હુમલાખોરની ધરપકડ માટે માહિતી આપશે તો તેને $50,000 સુધીનું ઈનામ આપવામાં આવશે.

Shah Jina