સુરતની અંદર શ્રાવણમાં પોતાના ઘરમાં જ બેસીને જુગાર રમી રહેલી મહિલાઓની મહેફિલ પર અચાનક ત્રાટકી પોલીસ, 6 મહિલાઓ ઝડપાઇ

6 women caught gambling in Surat : શ્રાવણનો મહિનો શરૂ થઇ ગયો છે અને હવે સતામ આઠમ આવવાને પણ ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે. ત્યારે શ્રાવણ માસમાં ઘણા લોકો ઠેર ઠેર જુગાર પણ રમતા હોય છે,. પોલીસ પણ આવા જુગારીઓ પર ચાંપતી નજર રાખતી હોય છે અને બાતમી મળતા જ તેમને ઝડપી પણ લેતા હોય છે. ત્યારે હાલ એક એવી જ ઘટના સુરતમાંથી સામે આવી છે. જ્યાં કેટલીક મહિલાઓ ઘરમાં જુગાર રમતી હોવાની બાતમી મળતા જ પોલીસ ત્રાટકી હતી અને તેમને ઝડપી પાડી હતી.

ઘરમાં જ ચાલતી હતી મહેફિલ :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં આવેલા પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલ ધર્મરાજ એપાર્મેન્ટના એક ઘરમાં છ જેટલી મહિલાઓએ ભેગી થઈને જુગારની મહેફિલ જમાવી હતી. મહિલાઓ પૈસાથી તીન પત્તી જેવો ગેરકાયદેસર જુગાર રમી રહી હતી, પરંતુ તેમને ખબર નહોતી કે આ જુગાર તેમના માટે મુસીબતનું કારણ બની જવાનો છે. મહિલાઓ જુગાર રમી રહી હતી ત્યારે જ પોલીસ ત્યાં ત્રાટકી હતી અને મહિલાઓની મહેફિલના રંગમાં ભંગ પડાવી દીધો હતો.

છ મહિલાઓની ધરપકડ :

રાંદેર પોલીસનો સ્ટાફ જયારે પેટ્રોલિંગમાં હતા ત્યારે આ દરમિયાન તેમને બાતમી મળી હતી કે ધર્મરાજ એપાર્ટમેન્ટના એક ઘરમાં કેટલીક મહિલાઓ ભેગી થઈને જુગારની મહેફિલ જમાવી છે. ત્યારે પોલીસ બાતમીના આધારે ઘરમાં દરોડા પાડતા જ મહિલાઓ જુગાર રમતા ઝડપાઇ ગઈ હતી. પોલીસ જુગાર રમી રહેલી 6 મહિલાઓની ધરપકડ કરી લીધી હતી. આ ઉપરાંત પોલીસને ત્યાં જુગારના સાધનો ઉપરાંત કુલ 26,200નો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો.

પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી :

પોલીસ જુગારની વસ્તુઓ અને રોકડ રકમને જપ્ત કરીને જુગાર રમતી છ મહિલાઓ વિરુદ્ધ ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. ત્યારે આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં પણ ચકચારી મચી જવા પામી હતી. પકડાયેલી છ મહિલાઓમાં 2 વિધવાનો પણ સમાવેશ થાય છે. આગામી દિવસોમાં સાતમ આથમ આવતી હોવાના કારણે જુગારીઓ પણ છુપાઈ છુપાઈને જુગાર રમવાના પેંતરાઓ બનાવતા હોય છે. ત્યારે આવા લોકો પર હવે પોલીસ પણ બાઝ નજર રાખી રહી છે.

Niraj Patel