...
   

સુરતમાં રવિવારની રજાનો આનંદ માણવા માટે 5 મિત્રો દરિયા કિનારે ગયા અને અચાનક જ 3ના મૃતદેહ મળ્યા

સુરતના સુંવાલી બીચ ઉપર મોતનો તાંડવ, કાળઝાળ ગરમીથી છુટકારો મેળવવા રવિવારની રજાના દિવસે મિત્રો ગયા દરિયામાં નાહવા અને મળ્યું ભયંકર મોત

હાલ ગુજરાતમાં રજાઓ ચાલી રહી છે, અને આ રજાઓના સમયમાં લોકો બહાર ફરવા જવા માટેના આયોજનો કરતા હોય છે, જયારે નોકરી કરતા લોકો માટે રવિવારની રજા ખાસ હોય છે અને રવિવારે તે પોતાના મિત્રો અને પરિવાર સાથે નજીકમાં જ કોઈ સ્થળની પસંદગી કરે છે, જ્યાં નદી કિનારો કે દરિયા કિનારો હોય અને નહાવાનો આનંદ માણી શકાય. પરંતુ ઘણીવાર આવી મોજ કરવી ભારે પણ પડી શકે છે.

ઘણીવાર નદી કિનારે કે દરિયા કિનારે ન્હાવા જતા ડૂબી જવાની ઘટનાઓ પણ સામે આવતી રહે છે, હાલ એવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે, જ્યાં રવિવારની રજા હોવાના કારણે મિત્રો દરિયા કિનારે નાહવા માટે ગયા હતા અને ત્યાં 5 મિત્રો ડૂબી ગયા હતા, જેમાંથી 2ના મૃતદેહ પણ મળી આવ્યા છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહરના હજીરા પાસે આવેલા સુંવાલી દરિયામાં પાંચ યુવકો ડૂબી જવાની ઘટના સામે આવી છે, યુવકો ડૂબી જતા જ લોકોએ બુમાબુમ કરી હતી, જેના બાદ સ્થાનિક લોકો બચાવવા માટે દોડી આવ્યા હતા. ગામના સ્થાનિક તરવૈયા દ્વારા દરિયામાંથી એક યુવકની બોડી બહાર કાઢવામાં આવી હતી. પોલીસને પણ આ ઘટનાની જાણ થતા જ તે ઘટના સ્થળે પહોંચી હતી.

આ ઉપરાંત એક અન્ય યુવકને બચાવી લેવામાં આવ્યો હતો, અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયારે આજે વહેલી સવારે બીજા બે યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ યુવકોના મૃતદેહ જોતાંની સાથે જ પરિવારમાં આક્રંદ છવાઈ ગયું હતું, પરિવારના હૈયાફાટ રુદન વચ્ચે માહોલ પણ ગમગીન બન્યો હતો, પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. નાહવા પડેલા યુવકો સુરતના ભટાર અને ઇચ્છાપોરમાં હોવાનું સામે આવ્યું છે. હજુ પણ એક યુવકની શોધખોળ ચાલુ છે.

Niraj Patel