4 વર્ષની દીકરી મૃત્યુ પામતા ગણતરીની કલાકોમાં નક્કી કરીને પુત્રીનાં બન્ને ચક્ષુનું દાન કર્યું, બીજાના જીવનમાં રોશની પાથરી, જાણો સમગ્ર મામલો
4 year girl family donates her eyes : છેલ્લા ઘણા સમયથી લોકોમાં અંગદાન અંગે જાગૃતિ આવી છે અને અવાર નવાર પરિવાર દ્વારા અંગદાનનો નિર્ણય લઇ બીજા ઘણા લોકોને નવું જીવન આપવામાં પણ આવતુ હોય છે. પણ હાલમાં રાજકોટમાંથી એક કિસ્સો સામે આવ્યો, જેમાં ડેંગ્યુના કારણે માત્ર બે દિવસની સારવાર બાદ 4 વર્ષની એક માસૂમ દીકરી મોતને ભેટી અને તેના પરિવારે તેની આંખોનું દાન કર્યુ. રાજકોટમાં સૌથી નાની બાળકીના ચક્ષુદાનનો આ પ્રથમ કિસ્સો નોંધાયો છે. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)
4 વર્ષની દીકરીને ડેંગ્યુ થતા મોતને ભેટી
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના ભાવનગર રોડ પર રાજમોતી ઓઈલ મિલ પાસે મયૂરનગર શેરી નં.3માં રહેતા મનીષભાઇની 4 વર્ષિય પૌત્રી રિયાને સોમવારે અચાનક તાવ આવ્યો અને અને તેનો રિપોર્ટ કરાવવામાં આવતા ડેંગ્યુ પોઝિટિવ આવ્યો. જે પછી પરિવારે તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી પણ રિયાના કાઉન્ટ વધારે માત્રામાં ઘટી જતા ડોક્ટરે તેને આઇસીયુમાં દાખલ કરી હતી.
પરિવારે લીધો ચક્ષુદાનનો નિર્ણય
પણ રિયાએ બુધવારે સવારે પરિવારને રડતા મૂકી અનંતની વાટ પકડી. ત્યારે આ ઘટનાને લઇને પરિવાર પણ આઘાતમાં સરી પડ્યો હતો પણ રિયાની આંખોથી અન્ય એક વ્યક્તિના જીવનમાં રોશની ફેલાવવા વિચાર કરી જનકલ્યાણ ટ્રસ્ટના ઉમેશભાઇ મહેતાનો સંપર્ક કરાયો અને ટ્રસ્ટના ઉમેશભાઇ મહેતાએ માત્ર એક કલાકમાં વ્યવસ્થા ગોઠવી રિયાની આંખોનું દાન કરાવ્યું.
રાજકોટમાં 4 વર્ષની દીકરીના ચક્ષુદાનનો પ્રથમ કિસ્સો
બાળકીના ચક્ષુદાનનો નિર્ણય તેના દાદા અને પિતા સહિત પરિવારે લીધો હતો. જનકલ્યાણ ટ્રસ્ટમાં અત્યાર સુધીમાં 10 વર્ષથી વધુ વયના 360થી પણ વધારે લોકોના ચક્ષુદાન કરાવવામાં આવ્યા છે. પણ 4 વર્ષની દીકરીના ચક્ષુદાનનો આ કિસ્સો પ્રથમ છે, જે અન્યો માટે પ્રેરણાદાયી બન્યો છે.