હાલમાં જ ગઇકાલે એક ખબર આવી જેણે આખા ગુજરાતને હચમચાવી નાખ્યુ, તુર્કીમાં એક કાર અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત નિપજ્યા. તુર્કીમાં અભ્યાસ બાદ હોટલ મેનેજમેન્ટ કરતી ગુજરાતી યુવતી અંજલી તેના ગુજરાતી મિત્રો સાથે ફરવા નીકળી હતી અને આ દરમિયાન જ કિરેનીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો અને કારમાં સવાર ચારેય ગુજરાતીઓના મોત નિપજ્યા.
મૃતકોમાં બે યુવકો પોરબંદરના અને બે યુવતીઓમાંથી એક વડોદરા અને એક પાલનપુરની વતની હતી. તુર્કીશ મીડિયાના રિપોર્ટ મુજબ, અકસ્માતની આ ઘટના ક્લેપિની ગામ નજીક કિરેનીયા અને કાઈથ્રેઆ હાઈવે પર વહેલી સવારે 3.40 વાગ્યે બની હતી. આ ભયંકર કાર અકસ્માતમાં પોરબંદરના સોઢાણાના પ્રતાપ કારાવદરા અને રાણાકંડોરણાના જયેશ આગઠ તેમજ અંજલી મકવાણા કે જે વડગામના ભોગરડીયા ગામની અને હીના પાઠક મોતને ભેટ્યા હતા.
અંજલી તુર્કીમાં એક વર્ષથી હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહી હતી અને 3 જુલાઈએ રજા હોવાથી તે તેના ગુજરાતી મિત્રો સાથે કારમાં ફરવા માટે નીકળી હતી. મૃતક પ્રતાપ છેલ્લા 8 વષથી તુર્કિમાં સ્થાયી હતો, જયારે જયેશ તો આઠ મહિના પહેલા જ કામ અર્થે ગયો હતો. ચારેય કારમાં સવાર હતા ત્યારે તેઓ કિરેનિયા નજીક હાઈવે પરથી પસાર થતા હતા ત્યારે એક પૂરપાટ ઝડપે આવેલ કાર સામેથી ટકરાઇ અને ચારેય મિત્રોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા.
અકસ્માતમાં મોતને ભેટનાર અંજલી ગત વર્ષે જે દિવસે તુર્કી ગઈ હતી તેના એક વર્ષ બાદ તે જ તારીખે તેનું મોત થયુ. અંજલીનું 3 જુલાઈએ વહેલી સવારે મોત થયું હતું, જ્યારે તે ભારતથી તુર્કી 3 જૂલાઈ 2022ના રોજ ગઇ હતી, પરિવારની દીકરી જે તારીખે ઘરેથી તુર્કી જવા નીકળી તે જ સમયે દીકરીના મોતના સમાચાર મળતા પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ.