બુધવારે રાત્રે કેનેડાના ટોરેન્ટોમાં ટેસ્લા કારનો ભયાનક અકસ્માત થયો. ત્રણ યુવક અને બે યુવતી જમીને ઘરે પરત જઈ રહ્યાં હતાં તે સમયે કાર થાંભલા સાથે અથડાઇ અને બેટરી ડેમેજ થવાને કારણે કારમાં આગ લાગી ગઈ. જેને કારણે ત્રણ યુવક અને એક યુવતીનાં મોત નિપજ્યા જ્યારે એક યુવતિનો આબાદ બચાવ થયો. મૃતકોમાં ગોધરાનાં સગાં ભાઈ-બહેન અને આણંદના બે યુવકનો સમાવેશ થાય છે.
કારમાં 5 લોકો સવાર હતાં અને આણંદની ઝલક પટેલ કારમાંથી બહાર નીકળી જતાં તેનો બચાવ થયો હતો. ગોધરામાં આવેલ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકના નિવૃત્ત કર્મચારીનો દીકરો નીલરાજ ગોહિલ અને દીકરી કેતાબા ગોહિલનું આ ભયાનક અકસ્માતમાં મોત થયું છે. ઘટનાની જાણ થતા જ માલવદીપસિંહજી રાઉલ સહિતના રાજકીય અગ્રણીઓ પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા.
જ્યારે બે મૃતક આણંદના બોરસદમાં રહેતા હતા, જેમાં એક દિગ્વિજય પટેલ અને બીજો જય સિસોદિયાનો સમાવેશ થાય છે. જય સિસોદિયા ભાદરણ કોલેજના અધ્યાપક પ્રો.હરેન્દ્રસિંહ સિસોદિયાનો દીકરો અને બોરસદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારનો ભાણેજ છે. નીલરાજ ગોહિલ અને કેતાબા કેનેડાના બ્રેમ્પ્ટનનમાં રહેતાં હતાં અને તેમની સાથે આણંદના બોરસદના જય સિસોદિયા, દિગ્વિજય પટેલ, ઝલક પટેલ પણ રહેતાં હતાં. જયરાજસિંહ તાજેતરમાં જ કેનેડા દેશના સિટિઝન થયો હતો.
રિપોર્ટ્સ અનુસાર, આ અકસ્માત ચેરી સ્ટ્રીટ નજીક લેક શોર બુલેવર્ડમાં રાત્રે 12.10 વાગ્યે થયો હતો. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો અને કાર થાંભલા સાથે અથડાઈ, અને કારના ફુરચેફુરચા ઊડી ગયા. જો કે કાર અથડાતા તેમાં આગ લાગી ગઇ હતી. અકસ્માતની જાણ થતાં ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી પણ ત્યાં સુધીમાં તો કાર લગભગ બળીને ખાક થઈ ગઈ હતી. જે યુવતિનો બચાવ થયો હતો તે હોસ્પિટલમાં છે અને તેનો જીવ હાલ જોખમ બહાર છે.