ભાવનગરના ગંગાજળીયા પોલીસે સુરતના નકલી PSIની ધરપકડ કરી છે. ભાવનગરના સોની વેપારીને તોડ કરવાના ઈરાદે નકલી PSIએ ફોન કર્યો હતો અને 31,500 રૂપિયા માંગ્યા હતા. તેણે પોતાની ઓળખ વિજયસિંહ ગોહિલ તરીકે આપી અને સુરત શહેર ખાતે ફરજ બજાવતા હોવાનું સોની વેપારીને જણાવ્યું હતું. ત્યારે 23 ઓક્ટોબર 2024ના રોજ નકલી PSI સામે ભાવનગરના સોની વેપારી અલ્પેશભાઈ સોનીએ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે હવે પોલિસે ભાવનગરમાંથી સુરતના નકલી PSIને ઝડપ્યો છે. જે નકલી PSIની ધરપકડ કરવામાં આવી છે તેનું નામ અભિષેક સાવલિયા છે.

સોની વેપારીને આ આરોપીએ નકલી PSI બની ફોન કર્યો હતો અને 31,500 રૂપિયાની માંગણી કરી હતી. આ ઉપરાંત એવું પણ કહ્યુ હતુ કે ચોરી કરનારે સોનાની ચેઇન તમારી દુકાનમાં વેચ્યી છે. જો કે મામલો પતાવવા નકલી PSIએ રૂપિયાની માંગ કરી ત્યારે આ ફરિયાદના આધારે પોલીસે નકલી પીએસઆઇની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. હવે આખરે ભાવનગરમાંથી આરોપીને ઝડપી પડાયો છે અને તેના વિરુદ્ધ BNSની કલમ 204, 308(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
