મહાકુંભમાંથી પરત ફરતા સુરતના બે પરિવારને નળ્યો અકસ્માત:ઝાંસીમાં ગોયાણી-વિરાણી પરિવારનો ગમખ્વાર અકસ્માત, 4ના મોત; મૃતદેહ પરત આવ્યા બાદ અંતિમસંસ્કાર કરાયા
ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતના કિસ્સા સામે આવે છે, જેમાં ઘણા લોકો મોતને ભેટે છે, ત્યારે હાલમાં સુરતમાંથી ગમખ્વાર અકસ્માતનો મામલો સામે આવ્યો. મહાકુંભમાં ડુબકી લગાવ્યા બાદ અયોધ્યા રામલલાના દર્શન કરી પરત ફરતા સુરતના વિરાણી અને ગોયાણી પરિવારને અકસ્માત નડ્યો હતો. (તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

28 ફેબ્રુઆરીના શુક્રવારની વહેલી સવારે ઝાંસીથી ચિત્રકુટ નજીક ટોલનાકા પાસે આ અકસ્માત સર્જાયો હતો, ધૂમ્મસના કારણે ઓવરટેકિંગ કરતા આગળ જતી ટ્રક ન દેખાવાને કારણે પરિવારની કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ અને ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા જ્યારે બે ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ લઈ જવાયા જેમાંથી એકનું મોત નિપજ્યું. આ ગંભીર અકસ્માતમાં 16 વર્ષીય સગીરાનો આબાદ બચાવ થયો છે.

ઘટનાની જાણ થતા જ સંબંધીઓ ડેડબોડી લેવા ઝાંસી રવાના થયા હતા. બંને પરિવારના મૃતદેહ ગત રોજ પરત લાવતા સાંજે બંને દંપતીના અલગ અલગ જગ્યાએ અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. પ્રાપ્ત જાણકારી અનુસાર, મોટા વરાછામાં પી.પી.સવાણી સ્કૂલ પાસે કેદાર હાઈટ્સમાં રહેતા 53 વર્ષીય બીપીનભાઈ ગોયાણી અને તેમની 51 વર્ષિય પત્ની ભાવનાબેન તેમના સાળા જગદીશભાઈ વિરાણી (ઉ.વ. 48) સાળાની પત્ની કૈલાશબેન (ઉ.વ. 46) તેમજ પુત્રી મીલી (ઉ.વ. 16) સાથે સાતેક દિવસથી પહેલાં મહાકુંભ ગયા હતા.

ત્યાંથી તેઓ અયોધ્યા રામલલાના દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે ઝાંસીમાં ચિરગામ ખાતે બ્રિજ પર ધુમ્મસ વધુ હોવાને કારણે ટ્રક પાછળ કાર ઘુસી ગઇ. આ અકસ્માતમાં ગંભીર ઇજાને પગલે બીપીનભાઈ અને જગદીશભાઈ તેમજ તેમની પત્ની કૈલાશબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું જ્યારે ભાવનાબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જો કે જ્યાં તેમનું પણ મોત થયું. આ ગંભીર અકસ્માતમાં મીલીને સામાન્ય ઈજા પહોંચી છે.