ખુશી ગમગીનીમાં ફેરવાઇ:મિત્ર ધો-10માં પાસ થવાની ખુશીમાં 3 કિશોરો કેનાલમાં નાહવા પડ્યાં, ડૂબી જતાં 2ના મોત
3 Teenagers Took A Bath In The Canal : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના ઘણા બધા બનાવો સામે આવી રહ્યા છે. ઘણા રોડ અકસ્માતના બનાવમાં કેટલાય લોકોના જીવ જતા હોય છે ત્યારે ઘણીવાર કેટલીક આકસ્મિક દુર્ઘટનાઓમાં કોઈના મોત થવાનો મામલો સામે આવતો હોય છે. આ ઉપરાંત હાલ ચોમાસાનો માહોલ છે અને ચોમાસાના સમયમાં ઘણા લોકો નદી, તળાવ, ઝરણાં પાસે કે કેનાલમાં નાહવા માટે જતા હોય છે અને તેમની સાથે ત્યાં દુર્ઘટના ઘટતા જ ડૂબી જવાથી તેમના મોત પણ થતા હોય છે.
કેનાલમાં નાહવા પડ્યા હતા વિદ્યાર્થીઓ :
ત્યારે હાલ એક મામલો સામે આવ્યો છે ખેડાના મહીજમાંથી. જ્યાં આવેલી મેશ્વો કેનાલમાં નાહવા ગયેલા 3 વિદ્યાર્થીઓમાંથી 2 વિદ્યાર્થીઓના ડૂબી જવાના કારણે મોત નિપજ્યા છે. આ બે વિદ્યાર્થીઓ અમદાવાદના હાથીજણ સર્કલ પાસે આવેલા રાધેશ્યામ હાઉસિંગ સોસાયટીના રહેવાસી હતા. તેઓ 10માં ધોરણમાં પાસ થવાની ખુશી મનાવવા માટે કેનાલમાં નાહવા માટે ગયા હતા, પરંતુ તેમાંથી 2 વિદ્યાર્થીઓનું ડૂબી જતા મોત નીપજ્યું અને ખુશી પળવારમાં માતમમાં બદલાઈ ગઈ.
રિઝલ્ટ લેવા નીકળ્યા હતા ઘરેથી :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર 16 વર્ષીય પ્રાંજલકુમાર અજયભાઇ જયસ્વાલ શુક્રવારના રોજ ધોરણ 10ની રિપીટ પરીક્ષાનું રિઝલ્ટ લેવા માટે ગેરતપુરની નૂતન સ્કૂલમાં ગયો હતો અને તેની સાથે જ સોસાયટીમાં રહેતા તેના મિત્રો 17 વર્ષીય મોહિત કેદારપ્રસાદ ભગત અને 15 વર્ષીય સચિન જેસંગભાઈ રાજપૂત પણ હતા. આ ત્રણેય મિત્રો બાઈક લઈને ગયા હતા અને રિઝલ્ટ લીધા બાદ તેઓ મહીજ ગમે આવેલી મેશ્વો કેનાલમાં નાહવા માટે પહોંચ્યા હતા.
પરિવારમાં છવાયો આક્રંદ :
કેનાલ પર બાઈક મૂકી તેઓ નાની કેનાલમાં નાહવા માટે અંદર પડ્યા, પરંતુ થોડીવાર બાદ તેમને મોટી કેનાલમાં નાહવાનો પ્લાન બનાવ્યો અને મોહિત અને પ્રાંજલ બંને મોટી કેનાલમાં નાહવા માટે પડ્યા, કેનાલમાં વધુ પાણી હોવાના કારણે સચિન નાહવા માટે ના પડ્યો, થોડીવાર સુધી કેનાલમાંથી પ્રાંજલ અને મોહિત બહાર ના આવતા સચિને બૂમો પાડી હતી અને ત્યારે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા, જેના બાદ તેમની શોધખોળ કરવામાં આવતા સાંજે 5 વાગે બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારે બાળકોના નિધનથી પરિવારમાં પણ આક્રંદ છવાયો હતો.