જામનગરમાં એકસાથે ઉઠી પરિવારના 3 સભ્યની અર્થી, ટ્રકે રિક્ષાને કચડતાં પતિ-પત્ની-બહેનનાં થયા હતા મોત
રાજકોટ-અમદાવાદ હાઈવે પર માલીયાસણ નજીક હાલમાં જ ટ્રક અને રીક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં જામનગરના ત્રણ લોકોના કરૂણ મોત થયા. ત્યારે હાલમાં જ પરિવારના ત્રણ સભ્યોની એક સાથે અર્થી ઉઠતા હૈયાફાટ રૂદનના દ્રશ્યો સર્જાયા હતા. જામનગર અને નવાગામનો પરિવાર ચોટીલા લગ્નમાં જઇ રહ્યો હતો, (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર )
ત્યારે 25 ફેબ્રુઆરીના રોજ નેશનલ હાઇવે 47 પર રાજકોટના માલિયાસણ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે પરિવારના 6 સભ્યનાં મોત થયાં હતાં.રિક્ષાચાલક એવા જામનગરના ગુલાબનગર વિસ્તારમાં એક પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો, રિક્ષાચાલક, તેની પત્ની અને બહેનનાં કમકમાટીભર્યાં મોત થયા બાદ 26 ફેબ્રુઆરીએ ગુલાબનગર વિસ્તારમાં એકસાથે ત્રણ અર્થી ઉઠી હતી.
મૃતકોમાં 22 વર્ષીય ભૂમિબેન રાજુભાઈ નકુમ, 30 વર્ષીય યુવરાજ રાજુભાઈ નકુમ અને 29 વર્ષીય શીતલબેન યુવરાજ નકુમનો સમાવેશ થાય છે. ત્યારે એક જ પરિવારના ત્રણ સભ્યોની અર્થી ઉઠતા ગુલાબનગર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ હતી.મંગળવારે સવારે યુવરાજ નકુમ પોતાની રિક્ષામાં તેમની પત્ની શીતલ તેમજ બહેન ભૂમિને બેસાડી રાજકોટના નવાગામ રહેતા ફોઇ શારદાબેન નકુમના ઘરે આવ્યા.
ત્યાંથી શારદાબેન તથા નવાગામમાં રહેતા સંબંધી આનંદ સોલંકી, નંદિની સોલંકી અને તેમની આઠ મહિનની પુત્રી વેદાંશીને રિક્ષામાં બેસાડ્યાં. આ પછી બંને પરિવાર લગ્નમાં જવા નીકળ્યો. જો કે રોંગ સાઇડમાં લોખંડ ભરેલી ટ્રક ધસી આવતા રિક્ષાને કચડી નાખી. અકસ્માત દરમિયાવ રિક્ષામાં બેઠેલા લોકોની મરણચીસોથી રોડ ગુંજી ઊઠ્યો હતો.
શારદાબેન નકુમ (ઉં.વ.60), રિક્ષાચાલક યુવરાજ નકુમ (ઉ.વ.30), પત્ની શીતલ (ઉં.વ.29), બહેન ભૂમિ (ઉં.વ.22), નંદિની સોલંકી (ઉં.વ.25) અને પુત્રી વેદાંશી (આઠ માસ)નાં મોત નીપજ્યાં હતાં, જ્યારે આનંદ વિક્રમ સોલંકી (ઉં.વ.24)ને સારવાર હેઠળ છે. જીવલેણ અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રકચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે.