નર્મદા ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માટે આવેલા બે યુવાનોના નદીમાં તણાઈ જવાના કારણે થયા લાપતા, અમાસના દિવસે કુબેર ભંડારીએ લાગે છે મેળો

આપણા દેશની અંદર યાત્રાધામો ઉપર હંમેશા મોટી ભીડ જોવા મળતી હોય છે. એવું જ એક ગુજરાતનું યાત્રા ધામ છે ચાણોદ. જ્યાં કુબેર ભંડારીના મંદિરે અમાસના દિવસે મેળા જવો માહોલ જામતો હોય છે. અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પણ આવતા હોય છે. ચાંદોદમાં નર્મદા નદી વહે છે અને અહીંયા ત્રિવેણી સંગમ પણ છે જેના કારણે આ સ્થાને સ્નાન કરવાનો અનેરો મહિમા છે. આ જગ્યાએ ઘણીવાર નાહવા જતા દરમિયાન કેટલાય લોકો ડુબી પણ જતા હોય છે.

હાલ એક એવી જ ઘટના ચાંદોદમાંથી સામે આવી છે, જ્યાં અષાઢી અમાસ અને દિવાસોના તહેવારના કારણે મૂળ છોટાઉદેપુર જિલ્લાના અને હાલ વડોદરા રહેતા 5 મિત્રો રિક્ષા લઇ ત્રિવેણી સ્નાન માટે તીર્થધામ ચાંદોદ આવ્યા હતા. જ્યાં પાંચેય મિત્રો ત્રિવેણી સંગમમાં સ્નાન કરી રહ્યા હતા.

આ દરિયાન જ 2 મિત્રો 25 વર્ષીય નીતિન દેવજીભાઈ રાઠવા અને 22 વર્ષીય ભાવેશ રામજીભાઈ રાઠવા પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. ત્યારે તેમને તણાંતા જોઈને લોકો બૂમો પાડવા લાગ્યા. પરંતુ હોડી ચાલકો બચાવ કામગીરી આરંભે તે પહેલાં જ બંને મિત્રો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

આ બનાવના પગલે નદી કિનારે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. ચાંદોદ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી નદીમાં લાપતા થયેલા બંને મિત્રોની તપાસ આદરી હતી.

Niraj Patel