બોટાદમાં મોડી રાત્રે પીકવાન વાન પલટી મારી જતા 2 લોકોનાં મોત, 25 જેટલા ઇજાગ્રસ્ત

બોટાદના કુંભારા ગામે સર્જાયો અકસ્માત, પિક-અપ વાન પલટી મારી જતા પિતા-પુત્રીના કરુણ મોત, 25 ઇજાગ્રસ્ત

ગુજરાતમાંથી ફરી એકવાર રાત્રિના સમયે અકસ્માત સર્જાયાની ખબર સામે આવી છે, બોટાદના કુંભારા ગામ નજીક એક પીકઅપ વાન પલટી મારી જતા બે લોકોના મોત થયા જ્યારે 25 લોકો ઇજાગ્રસ્ત થયા. ઘટનાને લઈ રાત્રિના સમયે હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકો સહિતનાઓએ બચાવ કામગીરી પણ હાથ ધરી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, મોડીરાત્રીના વિંછીયાથી શ્રમિકો ભરેલ પીકઅપ વાન ધંધુકા તરફ જઈ રહી હતી. ત્યારે બોટાદના કુંભારા ગામ નજીક ખોડીયાર મંદિરના બોર્ડ પાસે ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા પીક-અપ વાન પલટી મારી ગઇ અને તેના કારણે એક પિતા અને પુત્રીનું કરુણ મોત નિપજ્યુ, જ્યારે 20થી 25 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા.

અકસ્માતને પગલે સામાજીક આગેવાનો કિર્તીભાઈ ચાવડા સહિતના આગેવાનો પણ મદદ માટે દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યુ છે કે તમામ શ્રમિકો મધ્યપ્રદેશના છે. ઈજાગ્રસ્તોને પ્રથમ પાળીયાદ અને ત્યારબાદ બોટાદની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ત્રણ બાળકો અને બે વ્યક્તિઓને ગંભીર ઇજાને પગલે ભાવનગર અને અમદાવાદ ખસેડાયા છે.

Shah Jina