ગુજરાત સહિત દેશમાંથી કેટલીકવાર ગેસ ગીઝરને કારણે મોત થવાના કિસ્સા સામે આવે છે. કેટલાક સમય પહેલા જ આવો એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં નવપરણિત દુલ્હન લગ્ન બાદ ન્હાવા ગઇ હતી અને ગેસ લીક થવાને કારણે તેનું મોત થયુ હતુ. ત્યારે હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં બે સગા ભાઇઓનું મોત થયુ છે. હરિયાણાના હિસારની તિલક શ્યામવાળી ગલીમાં ગીઝરના ગેસ લીકને કારણે 8 વર્ષ અને 13 વર્ષના બે સગા ભાઇઓનું મોત થઇ ગયુ.
બંને બાળકો સંબંધીઓના લગ્નમાં જવા માટે વાળ કપાવી આવ્યા હતા અને સાથે જ બાથરૂમમાં નાહી રહ્યા હતા.. ન્હાતા સમયે ગેસની અસરથી બંને બેહોંશ થઇ ગયા. જે બાદ પરિવારજન તેમને લઇ હોસ્પિટલ પહોંચ્યા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. ઘટના બાદથી પરિવારજનોની રડી રડીને હાલત ખરાબ છે. જાણકારી અનુસાર, તિલક શ્યામ વાળી ગલી નિવાસી અને ફોટો સ્ટુડિયો માલિક સૌરભના મામાના છોકરાના ગુરુગ્રામમાં લગ્ન હતા.
સૌરભની માતા પહેલા જ ગુરુગ્રામ જતી રહી હતી. રવિવારે સૌરભ પણ પરિવાર સાથે ત્યાં જવાનો હતો. આ દરમિયાન તેના બે દીકરા સોહમ અને માધવ બંને વાળ કપાવી આવ્યા અને તે પછી ન્હાવા એકસાથે જ બાથરૂમમાં ચાલ્યા ગયા. બંનેએ અંદર ઘૂસતા જ ગીઝર ઓન કર્યુ અને બાથરૂમની બારી પણ બંધ હતી. ગીઝરનો ગેસ લીક થવાને કારણે બંને અંદર બેહોંશ થઇ ગયા.
જ્યારે ઘણીવાર સુધી તેઓ બાથરૂમમાંથી બહાર ન નીકળ્યા તો પરિજનોએ બંનેને બોલાવ્યા પણ બાળકો જવાબ આપી રહ્યા નહોતા. તે બાદ બાથરૂમમા જઇ જોયુ તો તે બંને બેહોંશ હાલતમાં પડ્યા હતા. તેમને તાત્કાલિક પરિજન હોસ્પિટલ લઇ ગયા પણ તેઓને મૃત ઘોષિત કરાયા.