મહેસાણા : 18 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, મિત્ર સાથે વાત કરતા કરતા ઢળી પડ્યો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. યુવાઓને પણ હાર્ટ એટેક ભરખી રહ્યો છે, ત્યારે આ વચ્ચે મહેસાણમાંથી વધુ એક ઘટના સામે આવી છે. 18 વર્ષિય એન્જિનિયરિંગના વિદ્યાર્થીને હાર્ટ એટેક આવતા તે મોતને ભેટ્યો હતો. યુવક પરીક્ષા આપ્યા બાદ સોસાયટીમાં મિત્રો સાથે બેઠો હતો અને અચાનક જ ઢળી પડ્યો.

જો કે, તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો પણ તે બચી ન શક્યો. પ્રાપ્ત માહિતી અનુસાર, 18 વર્ષીય યુવકનું નામ સંકેત અશોકભાઈ મિસ્ત્રી હતુ, જે કડીમાં જય રણછોડ સોસાયટીમાં રહેતો હતો. સંકેત કડીની મેઘના કેમ્પસમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો.

મંગળવારના રોજ પરિવારમાં કોઈ લગ્ન પ્રસંગ હોવાને કારણે સંકેતના પિતા અશોક મિસ્ત્રી અમદાવાદ ગયા હતા, ત્યારે સંકેત પરીક્ષાને કારણે ઘરે રોકાયો હતો. પરીક્ષા આપીને સાંજે ઘરે આવ્યા પછી સંકેત સોસાયટીમાં કોમન પ્લોટમાં બાંકડે મિત્રો સાથે બેઠો હતો અને અચાનક જ હ્રદયરોગના હુમલાને કારણે ઢળી પડ્યો.

મિત્ર સાથે વાત કરતા કરતા તેણે મિત્રના ખભા પર જ માથું ઢાળી દીધુ. સંકેતને બેહોશ જોઇ તેના મિત્રોએ બુમા બુમ કરી અને પછી આસપાસના લોકો અને સોસાયટીના રહીશોની મદદથી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. જો કે, તેનો જીવ બચી શક્યો નહિ. એવી માહિતી સામે આવી છે કે સંકેત તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. ત્યારે આ ઘટના બાદથી પરિવારમાં માતમ ફેલાઇ ગયો છે.

Shah Jina