રાજકોટમાં ધોરણ 8ની 14 વર્ષની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત, ઘરે કહ્યું કે યુનિફોર્મ પહેરવા જાઉ છું એમ કહી રૂમ બંધ કર્યો…

હાલ રાજયમાં પરિક્ષાનો માહોલ ચાલી રહ્યો છે અને પરિક્ષાના તણાવને કારણે વિદ્યાર્થીઓની આપઘાત અને હાર્ટ એટેકના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા જ કેટલાક વિદ્યાર્થીઓના આપઘાતના સમાચાર આવ્યા હતા તો 2-3 વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવ્યાના પણ સમાચાર સામે આવ્યા હતા. ત્યારે હાલ રાજકોટમાંથી એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા ધોરણ 10ની છાત્રાએ પેપર ખરાબ જતાં આપઘાત કર્યો હતો. ત્‍યાં આજે વધુ એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.

મૃતક વિદ્યાર્થીની શહેરના મવડી પ્‍લોટની પ્રિયદર્શીની સોસાયટીમાં રહેતી હતી અને તે માત્ર 14 વર્ષની હતી. તે ધોરણ-8માં અભ્‍યાસ કરતી હતી. હાલ તો આ વિદ્યાર્થીનીનું આપઘાતનું કારણ બહાર આવ્‍યું નથી. ઘટનાની વિગત અનુસાર, રાજકોટની પ્રિયદર્શીની સોસાયટીમાં રહેતી જાનવી ગોહેલ કે જેની ઉંમર 14 વર્ષ છે તે સવારે રૂમમાં પંખામાં ચૂંદડી બાંધી લટકી ગઇ હતી, જે બાદ તેને બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી. પરંતુ ત્યાં હાજર તબિબે તેને મૃત જાહેર કરી હતી.

પ્રતિકાત્મક તસવીર

આ ઘટના બાદ તો સ્‍વજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં તાલુકા પોલીસ સ્‍ટેશનના હેડકોન્સ્ટેબલ રમેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે, મૃતક જાનવી એક ભાઇથી મોટી હતી અને તેના માતા-પિતાની એકની એક દિકરી હતી. તે મવડીની જયકિશન સ્‍કૂલમાં ધોરણ-8માં અભ્‍યાસ કરતી હતી. તેને સ્કૂલ જવાનું હોવાને કારણે યુનિફોર્મ પહેરવા તે ઉપરના માળે ગઇ હતી અને ત્યારે તે લાંબો સમય સુધી નીચે ન આવતાં મમ્‍મી ઉપર જોવા ગઇ જયાં તેમણે દિકરીને લટકતી જોતાં જ દેકારો મચાવી મુક્‍યો હતો.

પ્રતિકાત્મક તસવીર

માતાએ દેકારો મચાવતા જ બીજા સ્‍વજનો અને પડોશીઓ દોડી આવ્‍યા હતાં અને મૃતક જાનવીને નીચે ઉતારી બેભાન હાલતમાં હોસ્‍પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. પરંતુ ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરાતા જ પરિવારના માથે તો દુખોનો પહાડ તૂટી પડ્યો હતો. આપઘાતનું કારણ પરિવારજનો જાણતા ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

Shah Jina