BIG NEWS : લગ્નની ખુશીઓ ફેરવાઇ માતમમાં, હલ્દી રસ્મ દરમિયાન કુવામાં પડી મહિલાઓ, 13ના મોત

દેશભરમાં અનેક અકસ્માતમા કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણા કિસ્સાઓમાં એવું બને છે કે કોઇ લગ્ન પ્રસંગ હોય કે કોઇ ખુશીનો પ્રસંગ ત્યારે કોઇક એવી ઘટના ઘટી જતી હોય છે કે ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઇ જતો હોય છે. હાલમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક લગ્ન સમારોહ દરમિયાન કૂવામાં પડી જવાથી 13 મહિલાઓના મોત થયા હતા. મૃતકોમાં 9 છોકરીઓ પણ સામેલ છે. દુર્ઘટનાની જાણકારી મળ્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પીએમ મોદીએ પણ લોકોના મોત પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.  આ કિસ્સો ઉત્તરપ્રદેશના કુશીનગરનો છે.

ઉત્તર પ્રદેશના કુશીનગરમાં બુધવારે મોડી સાંજે એક ડઝનથી વધુ છોકરીઓ અને મહિલાઓ કૂવામાં પડી હતી. હાલ 13 યુવતીઓ અને મહિલાઓના મોત નીપજ્યા હોવાના અહેવાલ છે. સ્થળ પર અરાજકતાનો માહોલ છે. સ્થાનિક લોકો દ્વારા રાહત કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. રીપોર્ટ અનુસાર જિલ્લાના નેબુઆ નૌરંગિયા પોલીસ સ્ટેશનના નૌરંગિયા સ્કૂલ ટોલામાં એક ઘરમાં લગ્ન હતા. આ દરમિયાન ગામની મહિલાઓ અને યુવતીઓ લગ્ન ઘર પાસેના કૂવા પર ઉભા હતા. આ દરમિયાન હલ્દીની વિધિ કરવાની હતી. મહિલાઓ અને યુવતીઓ ઉભા રહેવાના કારણે અચાનક કૂવામાં આવેલી લોખંડની જાળી તૂટી જતાં મહિલા અને યુવતીઓ કૂવામાં પડી ગયા હતા. ઘટનાની જાણ થયા બાદ રાહતની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

હાલમાં 13 મહિલાઓ અને યુવતીઓના મોતના સમાચાર મળી રહ્યા છે. પીએમ મોદીએ કુશીનગરમાં થયેલી આ દુર્ઘટના પર ગહન શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરી કહ્યુ, “ઉત્તર પ્રદેશના કુશીનગરમાં થયેલો અકસ્માત હ્રદયદ્રાવક છે. આમાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે હું ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. તેમજ ઈજાગ્રસ્તોને ઝડપથી સાજા થવાની કામના કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર શક્ય તમામ મદદમાં વ્યસ્ત છે.”

બીજી તરફ દુર્ઘટનાની જાણકારી મળ્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોના મોત પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા અને ઘાયલ લોકોને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે. ગામના એક યુવકે જણાવ્યું કે અકસ્માતની જાણ થયા પછી પણ એક પણ એમ્બ્યુલન્સ સમયસર પહોંચી ન હતી. તેમણે કહ્યું કે અમે ગામની 15 જેટલી મહિલાઓને બચાવી હતી. યુવકે જણાવ્યું કે અકસ્માત બાદ લોકોને ખાનગી અને પોલીસ વાહનોની મદદથી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

મૃતકોના પરિજનોને વહીવટીતંત્ર દ્વારા 4 લાખ રૂપિયાની વળતરની રકમ આપવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે કૂવાનું પ્લેટફોર્મ નબળું પડી જવાને કારણે તે તૂટી ગયું હતું, જેના કારણે આ દુર્ઘટના થઈ હતી. સોશિયલ મીડિયા પર વીડિયો જોઈને ખબર પડી રહી છે કે લોકો સીડી લગાવીને કૂવામાં ઉતર્યા અને રાહત કાર્ય શરૂ કર્યુ હતુ. મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું કે તેમણે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા અને ઘાયલોને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Shah Jina