આજના પોઝિટિવ સમાચાર: ભાવનગરમાં માત્ર 12 જ દિવસમાં 102 વર્ષના માજીએ આ રીતે કોરોનાને હરાવી દીધો

કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક બની રહી છે ત્યારે આ બીજી લહેરમાં વૃધ્ધો અને બાળકોને વધારે સંક્રમિત કરી રહી છે. પરંતુ હાલ એક ખબર આવી રહી છે જે ઘણા લોકો માટે પ્રેરણા સમાન અને હકારાત્મકતા લાવી દે તેવી છે.

ભાવનગરની અંદર આશરે 102 વર્ષના વૃદ્ધ મહિલાએ કોરોનાને માત્ર 12 જ દિવસમાં હરાવી દીધો છે. 102 વર્ષના વયોવૃદ્ધ ઉંમર ધરાવતા રાણીબેન શ્યામજીભાઈ કોજાણીએ માત્ર 12 દિવસમાં કોરોનાને મ્હાત આપી કોરોના સામેનો જંગ જીતી લીધો છે.

કોરોના સંક્ર્મણ થતા તે ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં 12 દિવસ સુધી દાખલ હતા. કોરોના સામેની તેમની આ લડ઼ઇ કોઈ જંગ કરતા જરા પણ કમ નહોતી. 12 દિવસની સારવાર બાદ રાણીબેનને આજે રજા આપવામાં આવી હતી.

કોરોના સામેની આ 12 દિવસની લાડાઈમાં રાણીબેન 9 દિવસ ઓક્સિજન ઉપર રહ્યા હતા. અને છેલ્લા ત્રણ દિવસ પહેલા જ તેમને ઓક્સિજન ઉપરથી હટાવવામાં આવ્યા હતા. 102 વર્ષના રાણીબેને માત્ર 12 દિવસમાં કોરોનાને હરાવીને મેડિકલ ઇતિહાસમાં એક નવું પ્રકરણ લખ્યું છે.

રાણીબેને કોરોનાને હરાવ્યા બાદ જયારે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે ડોકટરો તેમજ હોસ્પિટલના સ્ટાફે તેમને તાળીઓના ગળગળાટ સાથે વધાવી લીધા હતા. ત્યારે હોસ્પિટલનો આભાર વ્યક્ત કરતા રાણીબેને કહ્યું હતું, “સર તખ્તસિંહજી હોસ્પિટલના મેડિકલ સ્ટાફ વિશે રાણીબેને જણાવ્યું હતું કે, અહીંનો તમામ સ્ટાફ ખૂબ જ સરળ તથા માયાળુ સ્વભાવનો અને દરેક બાબતે દર્દીને સહાયરૂપ થાય તેવો છે. નાની -નાની બાબતોમાં પણ અહીંના મેડિકલ સ્ટાફે મારી શ્રેષ્ઠ કાળજી લીધી છે. જેટલી વાર મને જરૂર પડી તેટલી વાર ડોક્ટરો, નર્સો મારી સેવામાં ખડે પગે હાજર રહ્યા છે. મારા જેવા વયોવૃદ્ધની આટલી બધી દરકાર લેવા બદલ એ સૌનો તથા સમગ્ર તંત્રનો હું આભાર માનું છું.”

102 વર્ષની ઉંમરે પણ સારવાર દરમિયાન રાણીબેન પોતાને તથા બીજાને ખુશ રાખવા સતત પ્રયત્નશીલ રહેતા હતા. તેમની વર્ષોની નિયમિત આહાર વિહાર શૈલી તેમણે હોસ્પિટલમાં પણ જાળવી રાખી હતી અને સર ટી હોસ્પિટલના નર્સિંગસ્ટાફે પણ તેમની મોટી ઉંમરને ધ્યાનમાં રાખીને તેમની વિશેષ કાળજી લીધી હતી.

102 વર્ષની ઉંમરે પણ રાણીબેનના મોઢા ઉપર ક્યારેય ચિંતા કે ભયની રેખાઓ જોવા મળી ન હતી અને એટલે જ રાણીબેનને જ્યારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે પણ તેમના ચહેરા પર કોઈ પણ જાતનો ભય કે ડર નહતો અને કોરોના પર વિજય હાંસલ કર્યો હોય તેમ હસતા મોઢે એ ઘરે જવા રવાના થયા હતા.

રાણીબેન ભાવનગર શહેરના તળાજા રોડ પર રહે છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ગત તા.02 એપ્રિલના રોજ ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં. આ સમયે તેમનો ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જતું હતું અને વયોવૃદ્ધ ઉંમરને કારણે પરિવારનું પણ ટેન્શન વધતું જતું હતું.

Niraj Patel