રાજકોટ : ઘરમાં કોઇ ન હતુ ત્યારે 10 વર્ષની છોકરીએ ચૂંદડીથી ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી આત્મહત્યાના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ દિવસોમાં ઘણા આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે અને તેમાં પણ અમદાવાદ,  રાજકોટ, સુરત અને વડોદરા અગ્રેસર જણાય છે, ત્યારે હાલ રાજકોટમાંથી ખૂબ જ ચોંકાવનારો આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક 10 વર્ષની છોકરીએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. રાજકોટના રામનાથપરા વિસ્તારમાં આવેલા ભવાનીનગર-2માં રહેતા કપિલભાઇ ચૌહાણની 10 વર્ષની પુત્રી ખુશાલીએ રવિવારે બપોરે ઘરમાં ચૂંદડીથી ગળાફાંસો ખાઇ લીધો હતો. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

છોકરીને બેભાન હાલતમાં સારવાર માટે ગુંદાવાડી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ ફરજ પરના ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી અને પોલિસને આ બાબતે જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ એ ડિવિઝન પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. કપિલભાઇ કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમને 2 દીકરીઓ અને એક દીકરો છે. ખુશાલી કે જેણે આપઘાત કર્યો તે 10 વર્ષની હતી અને બધા બાળકોમાં સૌથી મોટી હતી, તે પાંચમા ધોરણમાં ભણતી હતી. કપિલભાઇની પત્ની પણ તેમને આર્થિક રીતે મદદ કરતી હતી અને તે દેરાસરમાં કામ કરવા જતી હતી.

ત્યારે આજ રોજ નાનામવામાં કૌટુંબિકને ત્યાં હવનનો પ્રસંગ હતો અને તે માટે જ બધા ત્યાં જવા તૈયાર થયા હતા. પરંતુ ખુશાલીને તૈયાર થવાનું કહેતા તેને સાથે આવવાની ના પાડી દીધી હતી. તે થોડી જીદ્દી સ્વભાવની હતી અને તેને કારણે તેઓ તેમની પત્ની અને  બીજા બે બાળકોને લઇને ત્યાં પ્રસંગમાં ગયા હતા. પરંતુ તેઓ જયારે પરત ફર્યા ત્યારે લગભગ સાડા ત્રણ વાગ્યાના અરસામાં દરવાજો બંધ હતો. તેઓએ ઘણીવાર દરવાજો ખટકાવ્યો પરંતુ દરવાજો ખુુશાલીએ ખોલ્યો નહિ ત્યારે તે પાછળની બારીએ જોવા ગયા ત્યારે દીકરીની લાશ તેમણે લટકતી જોઇ. દરવાજો તોડી તેમણે તરત ખુશાલીને હોસ્પિટલ સારવાર માટે પહોંચાડી પરંતુ ત્યાં સુધી તેનું મોત થઇ ગયુ હતુ.

10 વર્ષની નાની અમથી બાળાએ આપઘાત કરી લેતા પરિવારમાં ચકચાર મચી જોવા પામી છે. માતા-પિતાના માથે તો આભ તૂટી પડ્યુ છે. તેમણે તેમની 10 વર્ષની દીકરી ગુમાવી છે. જો કે, આ બાબતે પોલિસને જાણ થતા તે ઘટના સ્થળે આવી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Shah Jina