બગોદરા હાઇવે ગુંજ્યો મરણીયા ચીસોથી, ચોટીલા માતાજીના દર્શન કરીને આવી રહેલા પરિવારને નડ્યો ગમખ્વાર અકસ્માત, 10 લોકોના ઘટના સ્થળે જ મોત

કપડવંજનો પરિવાર ખુશી ખુશી ચોટીલા માતાજીના દર્શન કરવા ગયો, પરત આવતા નડ્યો અકસ્માત, 10 લોકોને કાળ ભરખી ગયો, હાઈ વે પર વહેવા લાગી લોહીની નદીઓ…

10 people died in an accident on Bagodara highway : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ઘણા રોડ અકસ્માતમાં કેટલાય લોકોના મોત પણ નિપજ્યા છે. ગયા મહિને જ ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 10 લોકોના મોતની ખબરથી આખું ગુજરાત હચમચી ઉઠ્યું હતું, ત્યારે હાલ એક એવા જ ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પણ 10 લોકો કાળનો કોળિયો બની ગયા છે. મૃતકોમાં 5 મહિલાઓ અને 3 બાળકોનો પણ સમાવેશ થાય છે.

ચોટીલાથી દર્શન કરીને પરત ફરી રહ્યો હતો પરિવાર :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત ત્યારે સર્જાયો હતો જ્યારે એક પરિવાર ચોટીલા દર્શન કરીને છોટા હાથીમાં ઘરે જઈ રહ્યો થયો. છોટા હાથીમાં આગળના ભાગે 3 લોકો અને પાછળ 14 લોકો બેઠા હતા, ત્યારે જ બગોદરા-બાવલા વચ્ચે એક ટ્રક પંક્ચર થયેલી ઉભી હતી. ત્યારે છોટા હાથી ઉભેલી ટ્રકની પાછળ જ ઘુસી ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે 10 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

10 લોકોના મોત :

આ અકસ્માતમાં મોતને ભેટેલા તમામ લોકો કપડવંજ અને બાલાસિનોરના વાતની હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ તમામ મરતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે. ત્યારે આ અકસ્માતને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ શોક વ્યક્ત કર્યો છે. આ અકસ્માતમાં 10 લોકોને ઇજા પહોંચી છે, જયારે 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

હાઇવે પર વહેવા લાગી લોહીની નદીઓ :

અકસ્માતમાં ઘાયલ થયેલા 3 લોકોને અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જયારે 5 ઇજાગ્રસ્તોને સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતના પગલે હાઈ વે પર પણ ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. તેમજ મોટી સંખ્યામાં લોકો પણ મદદ માટે ઉમટી પડ્યા હતા. હાઇવે પર જાણે લોહીની નદીઓ વહી રહી હોય તેવો નજારો પણ સર્જાયો હતો. ઘાયલોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Niraj Patel