કિર્ગિસ્તાનમાં સુરતના 100 વિદ્યાર્થી ફસાયા, સુરતની રિયાએ જણાવી આપવીતી, ખાવાના પણ ફાંફા – જુઓ વીડિયો

કિર્ગિસ્તાનમાં 13 મેથી હિંસા ભડકી રહી છે, ઘણા દેશના વિદ્યાર્થીઓ સાથે ગુજરાતી અને ભારતીય વિદ્યાર્થીઓ પણ ફસાયા છે. ત્યારે અભ્યાસ માટે ગયેલ એક ગુજરાતના સુરતની વિદ્યાર્થિની કે જે કિર્ગિસ્તાનમાં ફસાયેલી છે તે રિયા લાઠીયાએ પરિવારજનો સાથે વોટ્સએપમાં વીડિયોકોલ પર વાત કરી અને સલામત હોવાની જાણ કરી. સુરતની રિયાએ પરિવારજનો સાથે વોટ્સએપમાં વીડિયોકોલ દ્વારા વાત કરી જણાવ્યું કે તે સલામત છે અને કિર્ગિસ્તાનમાં હાલ કોઈ ચિંતા જેવો માહોલ નથી.

આ ઉપરાંત તેણે એ પણ જણાવ્યું કે આજથી કિર્ગિસ્તાનથી ભારતની ફ્લાઇટ શરૂ થઈ છે અને ભારત સરકાર પણ પ્રયત્ન કરી રહી છે. જણાવી દઇએ કે, રિયા દોઢ વર્ષથી કિર્ગિસ્તાનમાં MBBSનો અભ્યાસ કરી રહી છે અને હાલ ત્યાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે અને આ સમસ્યા ઉભી થઈ છે. કેટલાક રીપોર્ટ અનુસાર, કિર્ગિસ્તાનની મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરતા હજારો વિદેશી વિદ્યાર્થીઓ સાથે ભારતના પણ 17,000થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા હોવાના અહેવાલ છે. રિયા લાઠીયા મૂળ ભાવનગર પાલીતાણાના વતની છે પણ પરિવાર સુરતમાં રહે છે.

તેણે જણાવ્યું કે તે ખૂબ જ ભયના માહોલમાં જીવી રહી છે અને વહેલી તકે ભારત આવવા માંગે છે. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક અને આસપાસના વિસ્તારોમાં ભારતીય, પાકિસ્તાની અને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ભારતના ઘણા વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસ માટે કિર્ગિસ્તાનમાં જાય છે કારણ કે કિર્ગિસ્તાનમાં MBBSનો અભ્યાસ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ કરતાં ઘણો સસ્તો છે.

જણાવી દઇએ કે, ગત અઠવાડિયે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં કેટલાક સ્થાનિક લોકોએ પાકિસ્તાન અને ઇજિપ્તના વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો અને આ પછી કેટલાકે આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો, આ પછી મામલો વધારે વણસી ગયો. 18 મે 2024થી તમામ ભારતીય વિદ્યાર્થીઓ હોસ્ટેલ અથવા ફ્લેટ સુધી મર્યાદિત છે, તેમને રૂમની બહાર જવાની પણ પરવાનગી નથી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ભારતીય દૂતાવાસ આ વિદ્યાર્થીઓના સંપર્કમાં છે અને તેમને તેમના ફ્લેટ અથવા હોસ્ટેલમાં રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. આ બધા વચ્ચે રિયા લાઠીયાના માતાએ સરકારને ફસાયેલા વિદ્યાર્થીઓની મદદ માટે વિનંતી કરી છે. તેમણે કહ્યું- કિર્ગિસ્તાનમાં પાણી અને ભોજનની વ્યવસ્થા નથી, વિદ્યાર્થીઓ બહાર નીકળી શકતા નથી. હાલ ભારે અંધાધૂંધી છે, ત્યારે સરકાર યોગ્ય પગલાં ભરે.

Shah Jina