ભારતીય ટીમના ગુજરાતી ઓલરાઉન્ડર ખેલાડી યુસુફ પઠાણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધો સન્યાસ

ભારતીય ક્રિકેટ ટિમ સાથે ઘણા ખેલાડીઓ જોડાયેલા રહ્યા છે અને તેમને ભારતનું નામ ગર્વથી રોશન કર્યું છે. ભારતીય ક્રિકેટ ટીમના ગુજરાતી બંધુઓ યુસુફ પઠાણ અને ઈરફાન પઠાણની જોડીની પણ ખુબ ચર્ચાઓ થઇ. તેમને પોતાની રમત દ્વારા દર્શકોને દીવાના બનાવી દીધા હતા. ત્યારે હાલ ખબર આવી રહી છે કે યુસુફ પઠાણે ક્રિકેટમાંથી સન્યાસ લીધો છે.

યુસુફ પઠાણ 2007ના ટી-20 વર્લ્ડ કપ અને 2011માં રમાયેલા 50 ઓવરના વર્લ્ડ કપ જીતવાવાળી ભારતીય ટીમનો પણ ભાગ રહ્યો છે. આજે શુક્રવારના રોજ યુસુફ પઠાણે ટ્વીટ કરી અને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે.

યુસુફ પઠાણે ભારત માટે 57 વન ડે મેચમાં 27ની સરેરાશ સાથે 810 રન બનાવ્યા છે. તો 22 ટી-20 મેચની અંદર તેના નામે 236 રન છે. તેને વન-ડેમાં બે શતક અને 3 અર્ધશતક પણ ફટકાર્યા છે. યુસુફે વન-ડેમાં 33 અને ટી-20માં 13 વિકેટો ઝડપી છે.

યુસુફે ટ્વીટ કરીને જણાવ્યું કે “મને યાદ છે કે જે દિવસે મેં પહેલીવાર ભારતની જર્સી પહેરી હતી. તે જર્સી ફક્ત મેં જ નહોતી પહેરી, તે જર્સી મારા પરિવાર, કોચ, મિત્રો અને આખા દેશે પહેરી હતી. મારુ બાળપણ, જિંદગી ક્રિકેટની આસપાસ જ વીત્યું અને હું આંતરરાષ્ટ્રીય, ઘરેલુ અને આઇપીએલ ક્રિકેટ રમ્યો. પરંતુ આજે કંઈક અલગ છે.”

તે આગળ જણાવે છે કે “આજે કોઈ વર્લ્ડકપ કે આઇપીએલ ફાઇનલ નથી, પરંતુ આ એટલો જ મહત્વનો દિવસ છે. આજે એક ક્રિકેટરના રૂપમાં મારા કરિયર ઉપર પૂર્ણવિરામ લાગી રહ્યું છે. હું અધિકૃત રીતે સન્યાસ લેવાની જાહેરાત કરું છું.”

યુસુફ પઠાણની ઓળખ એક વિસ્ફોટક બેટ્સમેનના રૂપમાં કરવામાં આવતી હતી. આઇપીલે 2010માં મુંબઈ ઇન્ડિયન વિરુદ્ધ યુસુફે 37 બોલની અંદર શતક ફટકાર્યો હતો. આ આઇપીએલનું સૌથી ઝડપી શતક હતું.

યુસુફે 2007માં ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ડેબ્યુ કર્યું હતું. 2012માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાયેલી ટી-20 તેની છેલ્લી મેચ હતી. તો 2008માં તેને પાકિસ્તાન વિરુદ્ધ જ વન-ડેમાં પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. તેને ભારત માટે 2012માં છેલ્લી વન-ડે રમી.

Niraj Patel