18 વર્ષની સોશિયલ મીડિયા સેલિબ્રિટી અચાનક ગુમ થઇ ગઈ, દર મહિને લાખો રૂપિયાની કમાણી કરતી હતી

ચોંકાવનારી માહિતી ઔરંગાબાદથી સામે આવી છે, એક પ્રખ્યાત સગીર યુટ્યુબર ગઈકાલ બપોરથી ગુમ છે. આ મામલે યુવતીની માતાએ છાવણી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ યુવતીને શોધી રહી છે. રસપ્રદ વાત એ છે કે આ યુવતી ફેમસ યુટ્યુબર છે અને તેના યુટ્યુબ પર 4.32 મિલિયન સબસ્ક્રાઈબર્સ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઔરંગાબાદમાં રહેતી પ્રખ્યાત સગીર યુટ્યુબર બિન્દાસ કાવ્યા ગઈકાલથી ગુમ છે.

જેને લઇને તેના પરિવારજનોએ ઘણી જગ્યાએ તેની શોધખોળ કરી પરંતુ તે ન મળી આવતા છાવણી પોલીસમાં યુવતીના ગુમ થવાનો કેસ નોંધાવવામાં આવ્યો. પોલીસ હવે યુવતીને શોધી રહી છે. છોકરીની માતાએ 19 મિનિટનો વીડિયો જારી કર્યો છે જેમાં તેમણે કહ્યુ છે કે, અમારી દીકરી ક્યારેય એકલી નથી હોતી. તે આટલા લાંબા સમય સુધી એકલી રહી શકતી નથી. તેથી, જો તમે તેને ક્યાંય જોવો, તો કૃપા કરીને અમને જણાવો.

બાળકીની માતાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે અમને કોઈ મદદ કરતું નથી. તેના માતા-પિતાનો આક્ષેપ છે કે પોલીસ સહકાર આપી રહી નથી. તેના માતા-પિતાએ વિનંતી કરી છે કે તેમની પુત્રીને વહેલી તકે શોધી કાઢવામાં આવે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બિંદાસ કાવ્યા સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે, તેના ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયન ફોલોઅર્સ છે.

કાવ્યા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ પણ રહે છે અને તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. જણાવી દઇએ કે, કાવ્યા હાલ 18 વર્ષની છે. તેણે વર્ષ 2017માં યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી અને આ ઉપરાંત તેની એક ગેમિંગ ચેનલ પણ છે. આ ચેનલ પર તેના લગભગ 13 લાખ સબસ્ક્રાઈબર્સ છે. તે છેલ્લા ચાર વર્ષથી યૂટ્યૂબ વિડીયોથી ઘણી કમાણી કરી રહી છે.

તે બંને ચેનલો દ્વારા એક અંદાજ મુજબ લાખો રૂપિયાની કમાણી કરે છે. ઉલ્લેખનીય છે કે, તેણે ઘર કેમ છોડ્યું તે હજુ સુધી સામે આવ્યુ નથી. તેના ગુમ થવાનું કારણ પરિવાર વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ છે કે પછી સોશિયલ મીડિયા પર…તે સામે આવ્યુ નથી.

Shah Jina