વડોદરાના અકોટા બ્રિજ પર તથ્યકાંડ જેવી ઘટના ! નબીરાએ નશાની હાલતમાં કારથી બ્રિજની સાઈડમાં બેઠેલાને ઉડાવ્યા, જાણો સમગ્ર મામલો

Youth Dies In Hit And Run vadodara : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે. તેમાં પણ હિટ એન્ડ રનના કિસ્સાઓ સતત સામે આવતા હોય છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરોમાં નબીરાઓ દ્વારા બેફામ કાર ચલાવીને અવાર નવાર અકસ્માત સર્જવામાં આવતા હોય છે. થોડા મહિનાઓ પહેલા અમદાવાદમાં તથ્ય પટેલ દ્વારા સર્જવામાં આવેલા અકસ્માતને હજુ પણ ભૂલી નથી શકાયો ત્યાં આવી ઘટનાઓ હજુ પણ સામે આવી રહી છે.

હાલ આવા જ એક અકસ્માતની ઘટના વડોદરામાંથી સામે આવી છે. જેમાં નશાની હાલતમાં એક નબીરાએ બ્રિજની બાજુમાં બેઠેલા લોકોને અડફેટે લીધા અને આ અકસ્માતમાં એક યુવકનું મોત પણ નીપજ્યું છે.  આ ઘટના સર્જાઈ છે વડોદરાના અકોટા દાંડિયાબજાર બ્રિજ પર જ્યાં મોડી રાત્રે નશાની હાલતમાં એક નબીરાએ 2 એક્ટિવાને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં MBAનો અભ્યાસ કરી રહેલા એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આ અકસ્માતમાં અન્ય બે યુવતીઓ પણ ગંભીર રીતે ગહયલ થઇ છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમ અમદાવાદમાં તથ્ય કાંડ બાદ તેના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમ વડોદરામાં પણ આ ઘટના બાદ કાર ચાલાક યુવકના પરિવારજનો તેને બચાવવા માટે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.

મૃતક યુવક અને અકસ્માતમાં ઘાયલ થયેલી બંને યુવતીઓ પારુલ યુનિવર્સીટીમાં MBAનો અભ્યાસ કરતા હતા. અકસ્માત સર્જાનાર યુવકનું નામ કલ્પ કનક પંડ્યા છે અને તે તેની ફિયાન્સી સાથે કારમાં જઈ રહ્યો હતો, પોલીસે હાલ બંનેની અટકાયત કરી છે. યુવકને બચાવવા અવાયેલા તેના પરિવારજનો તેને કારમાં બેસાડીને હોસ્પિટલ લઇ જતા હતા પરંતુ રસ્તામાં જ પોલીસે તેમની અટકાયત કરીને અન્ય વાહનમાં હોસ્પિટલ લઇ ગયા હતા. કારમાંથી પોલીસને એક બોટલમાંથી નશાયુક્ત પદાર્થ પણ મળી આવ્યો. હાલ અકોટા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Niraj Patel