ઢોલીવુડની સુપરહિટ જોડી એટલે કે યશ સોની અને જાનકી બોડીવાલા ફરી એકવાર મોટા પડદે સાથે ધમાલ મચાવવા માટે તૈયાર છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પોતાની રોમેન્ટિક તસવીરો શૅર કરીને બંને એક્ટર્સે તેમની આગામી ગુજરાતી ફિલ્મ ‘ગોળધાણા’ની રિલીઝ ડેટની સત્તાવાર જાહેરાત કરી છે.
વિશેષ વાત એ છે કે 16 ઓક્ટોબરે યશ સોનીનો જન્મદિવાસો હોવાથી એક્ટરે પોતાના બર્થડે પર ચાહકોને આ નવી ફિલ્મની જાહેરાત રૂપે એક શાનદાર સરપ્રાઇઝ ગિફ્ટ આપી છે.

વેલેન્ટાઇન વીકમાં થિયેટરમાં જામશે રોમાન્સ
આ ફિલ્મ આગામી વર્ષે એટલે કે 12 ફેબ્રુઆરી, 2027ના રોજ વેલેન્ટાઇન વીક દરમિયાન સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં યશ સોની ‘મોહિત’ ના પાત્રમાં જોવા મળશે, જ્યારે જાનકી બોડીવાલા ‘મિશિકા’નો રોલ નિભાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, બ્લોકબસ્ટર ફિલ્મ ‘છેલ્લો દિવસ’ અને ‘નાડીદોષ’ની ભવ્ય સફળતા બાદ યશ સોની અને જાનકી બોડીવાલાની સાથે આ ત્રીજી ફિલ્મ છે, જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જાનકી અને યશનો ખાસ અંદાજ

સોશિયલ મીડિયા પર ખાસ તસવીરો શૅર કરતા જાનકી બોડીવાલાએ યશને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા લખ્યું:
હેપ્પી બર્થડે મોહિત…. મોહિત અને મિશિકાની ‘ગોળધાણા’ની સેરેમની જોવા થિયેટરમાં આવો, 12 ફેબ્રુઆરી, 2027….”
તો બીજી તરફ, યશ સોનીએ પણ રોમેન્ટિક કેપ્શન સાથે તસવીરો શૅર કરતા મિશિકા (જાનકી) માટે ખાસ વાત કહી હતી:
“હું તારી સાથે રોમાન્સમાં કાચો પડું છું, મિશિકા…”

ફિલ્મની સ્ટારકાસ્ટ અને મેકર્સ
ફિલ્મ ‘ગોળધાણા’નું નિર્દેશન ચિન્મય પરમાર દ્વારા કરવામાં આવ્યું છે. પેનોરમા સ્ટુડિયો અને બિગ બોક્સ સિરીઝના બેનર હેઠળ બનેલી આ ફિલ્મના પ્રોડ્યુસર્સ કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક, કૃષ્ણદેવ યાજ્ઞિક અને મુરલીધર છટવાણી છે.
યશ સોનીની અત્યાર સુધીની સફર
16 ઓક્ટોબર, 1996ના રોજ અમદાવાદમાં જન્મેલા યશ સોનીના પરિવારમાં તેમના પિતા ચંદ્રેશ સોની, માતા લીના સોની અને નાનો ભાઈ કાવ્ય છે. યશે પોતાનો પ્રાથમિક અભ્યાસ અમદાવાદની શારદા મંદિર અને શેઠ સી.એન. વિદ્યાલયમાંથી કર્યો હતો. ત્યારબાદ તેમણે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું.
- ડેબ્યૂ અને કરિયર: થિયેટરમાં પોતાની એક્ટિંગ સ્કીલ શાર્પ કર્યા બાદ યશે વર્ષ 2015માં કૃષ્ણદેવ યાજ્ઞિકની ટ્રેન્ડસેટર ફિલ્મ ‘છેલ્લો દિવસ’થી ગુજરાતી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું.
- નેશનલ એવોર્ડ સક્સેસ: પોતાના 11 વર્ષના કરિયરમાં યશે અલગ-અલગ અને પડકારજનક રોલ પ્લે કર્યા છે. તેમની મુખ્ય ભૂમિકા ધરાવતી અને અભિષેક જૈન નિર્દેશિત ફિલ્મ ‘રામણ’ (National Award Winner)ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ અવોર્ડ પણ મળી ચૂક્યો છે.
અંગત જીવન અને એક્ટિંગ કરિયરમાં યશને તેમના પિતા તરફથી ઘણો જ સપોર્ટ મળ્યો છે. હવે ફેન્સ તેમની આ નવી ફિલ્મ ‘ગોળધાણા’ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.