કાળની કેવી કરુણા… જૂનાગઢમાં મકાન ધરાશાયી થતા પતિ અને દીકરાઓનું થયું મોત, આઘાત ના સહન કરી શકનાર પત્નીએ એસિડ ગટગટાવીને મોતને વ્હાલું કર્યું

Wife commits suicide in shock of death of husband and son : હાલ ગુજરાતમાં વરસાદે કાળો કહેર વર્તાવ્યો છે, જેની ઝલક જૂનાગઢમાં જોવા મળી. સોશિયલ મીડિયામાં જૂનાગઢના કાળજું કંપાવી દે તેવા વીડિયો પણ સામે આવ્યા હતા, જેમાં પાણીનો ધસમસતો પ્રવાહ ઘણુ બધું તાણીને લઇ ગયો. કરોડોની નુકશાની સાથે સાથે માણસોના જીવ પણ ગયા, ત્યારે આ દરમિયાન ઘણી એવી કહાનીઓ પણ સામે આવતી હોય છે જે આંખોમાં આંસુઓ પણ લાવી દેતી હોય છે, હાલ એક એવી જ ઘટનાએ લોકોના રૂંવાડા ઉભા કરી દીધા છે.

પિતા સાથે 2 દીકરાના મોત :

જૂનાગઢમાં આવેલા વરસાદ બાદ ગત સોમવારના રોજ જૂનાગઢ દાતર રોડ પર કડીયાવાડ શાકમાર્કેટ નજીક આવેલા એક બિલ્ડીંગ ધરાશાયી થઇ હતી, આ કારમી દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. જેમાં 33 વર્ષીય સંજયભાઈ ડાભી અને તેમના બે દીકરા 7 વર્ષીય દક્ષ અને 13 વર્ષીય તરુણના પણ મોત નિપજ્યા હતા. આ સમયે સંજયભાઈની પત્ની મયુરીબેન શાક માર્કેટમાં શાક લેવા માટે ગયા હતા, જેના કારણે તેઓ બચી ગયા હતા.

આઘાત સહન ના કરી શકી પત્ની :

પરંતુ પતિ અને દીકરાઓના મોતનો આઘાત મયુરીબેન સહન ના કરી શક્યા, તેઓ તેમના નિધનથી સતત દુઃખી રહેતા હતા અને તેના કારણે તેમની તબિયત પણ લથડી હતી, જેથી તેમને સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓ થોડા સ્વસ્થ થતા તેમને રજા પણ આપવામાં આવી હતી, પરંતુ પતિ અને દીકરાઓના મોતનો આઘાત હજુ તેમના માનસપટ પરથી હટ્યો નહોતો અને આ આઘાતના કારણે જ તેમને એસિડ ગટગટાવી લીધું.

એસિડ ગટગટાવી મોતને વહાલું કર્યું :

મયુરીબેનના એસિડ પીધા બાદ તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ ત્યાં સારવાર દરમિયાન જ તેમનું પણ મોત નીપજ્યું. ત્યારે એક જ પરિવારના ચાર સભ્યોના આ રીતે નિધન થવાના કારણે આખા જૂનાગઢમાં ચકચારી મચી ગઈ છે.  તમને જણાવી દઈએ કે જૂનાગઢમાં 3 જ કલાકમાં 16 ઇંચ વરસાદ ખાબકી પડ્યો હતો, જેના કારણે શહેર પાણીમાં ગરકાવ થઇ ગયું હતું, ઘણા વાહનો અને અબોલ પશુઓ પણ પાણીમાં તણાઈ ગયા હતા.

Niraj Patel