ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ક્રિકેટને કેટલો પ્રેમ કરે છે તે બધા જાણે છે. ટીમની જીત અને હારની લાગણી તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ જાય છે. જોકે ચાહકોએ ક્યારેય કોહલીને મેદાન પર રડતો જોયો નથી. બોલિવૂડ એક્ટર વરુણ ધવને કોહલી વિશે એક એવી વાતનો ખુલાસો કર્યો જે ચાહકોને પહેલાથી ખબર ન હતી.
વરુણ ધવન યુટ્યુબ કન્ટેન્ટ ક્રિએટર રણવીર અલાહવાદીયા શોમાં ગયો હતો. અહીં તેણે અનુષ્કા શર્માની પ્રશંસા કરી અને જણાવ્યું કે વિરાટ કોહલીની સફળતામાં અભિનેત્રીનો શું રોલ છે. ધવને 2018માં નોટિંગહામ ટેસ્ટની ઘટના સંભળાવી અને કહ્યું કે કોહલી કેટલો ભાવુક બની ગયો હતો.
2018ના ઉનાળામાં, ઈંગ્લેન્ડ સામે 1-4ની હારથી ટીમના મનોબળમાં ઘટાડો થયો હતો. ધવને જણાવ્યું કે જ્યારે તે અનુષ્કા સાથે ફિલ્મ સુઈ-ધાગાનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે વિરાટ કોહલીને લઈને ચર્ચા થઈ હતી. અનુષ્કાએ તેને કહ્યું હતું કે કેવી રીતે વિરાટ પોતાને હાર માટે જવાબદાર માને છે.વરુણે કહ્યું, ‘મને લાગે છે કે તે કદાચ નોટિંગહામ ટેસ્ટ વિશે છે. ભારત તે મેચ હારી ગયું હતું.
અનુષ્કાએ જણાવ્યું કે તે દિવસે તે મેચ જોવા ગઈ ન હતી. જ્યારે તે પાછી આવી ત્યારે વિરાટ કોહલી ક્યાંય દેખાતો નહોતો. તેને ખબર નહોતી કે કોહલી ક્યાં છે. જ્યારે તે રૂમમાં ગઈ ત્યારે કોહલી ત્યાં હતો. કોહલી એકલો બેસીને રડી રહ્યો હતો. કોહલીને લાગ્યું કે તેની નિષ્ફળતાને કારણે ટીમ હારી ગઈ, વિરાટ તે મેચમાં તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો છતાં તે રડી રહ્યો હતો.