જો તમે પણ ખાતા હોવ રાંધેલા વાસી ભાત તો ચેતી જજો ! વલસાડમાં એક જ પરિવારના 2 બાળકોના મોત, 6 હોસ્પિટલ ભેગા થયા

ગુજરાતમાંથી ઘણીવાર ચોંકાવનારી વિગત સામે આવતી રહે છે, જેમાં કેટલાક લોકોના મોત પણ નિપજતા હોય છે. ઘણા લોકો એવા હોય છે જે રાંધેલુ ખાવાનું બચી જતા તેને ફ્રીજમાં મૂકી વાસી ખાવાનું બીજા દિવસે ખાઇ લેતા હોય છે. પરંતુ આ કોઇવાર જોખમકારક પણ સાબિત થઇ શકે છે. હાલમાં વલસાડના કપરાડા તાલુકાના વિરક્ષેત્ર ગામમાં ફૂડ પોઇઝનીંગની ઘટના સામે આવી છે, જેના કારણે એક જ પરિવારના બે બાળકોના મોત પણ થઇ ચૂક્યા છે અને ચારની હાલત ગંભીર પણ જાણવામાં આવી રહી છે.

બનાવની જાણ થતા વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયું હતું. ગામમાં ફૂડ પોઇઝનિંગનો બનાવ સામે આવતા લોકોમાં ફફડાટ પણ ફેલાયો છે. વાસી ભાત ખાધા બાદ પરિવારને ઝેરી અસર થઈ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની વિગત જોઇએ તો, વલસાડના કપરાડાના વીરક્ષેત્ર ગામમાં એક જ પરિવારના 6 સભ્યોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. પરિવારના સભ્યોએ બે દિવસ પહેલા રાંધેલા વાસી ભાત ખાધા હતા અને કરચલાનું શાક પણ આરોગ્યું હતું.

જે બાદ અચાનક બધાની તબિયત બગડી હતી. આ મામલાની જાણ થતા જ તમામને સી.એચ.સી સુથારપાડા સીએચસી ખાતે સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં ત્રણ વર્ષીય બાળકી અને છ વર્ષીય બાળકીનું મોત સારવાર દરમિયાન થયુ હતું. આ ઉપરાંત બીજા 4 લોકો હાલ સારવાર હેઠળ છે અને તેમની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

પ્રાથમિક દષ્ટિએ જોતા પરિવારના સભ્યોએ બે દિવસ પહેલા રાંધેલા ભાત ખાવાથી ફૂડ પોઇઝનીંગની અસર થઈ હોય તેમ માનવામાં આવી રહ્યું છે. જોકે મોતનું સાચું કારણ જાણવા માટે મૃતકોના પેનલ પોસ્ટમોર્ટમ કરવા સહિતની કાર્યવાહી શરૂ કરી છે.

Shah Jina