વૈભવ સૂર્યવંશી હજુ ભારતીય સીનિયર ટીમ માટે નહિ રમી શકે, જાણો ICC નો કયો નિયમ બની રહ્યો છે રાહમાં અવરોધ
રાજસ્થાન રોયલ્સના 14 વર્ષીય ઓપનર વૈભવ સૂર્યવંશીએ ગુજરાત ટાઇટન્સ સામે યાદગાર ઇનિંગ રમી અને 35 બોલમાં સદી ફટકારીને ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી. પોતાની ઇનિંગ્સના આધારે તેણે ઘણા રેકોર્ડ બનાવ્યા અને કેપ્ટન રોહિત શર્મા સહિત ટીમ ઇન્ડિયાના વર્તમાન ખેલાડીઓનું પણ ધ્યાન ખેંચ્યું. રોહિતે પણ તેની ઇનિંગની પ્રશંસા કરી. તેના કોચે આગાહી કરી કે તે ટૂંક સમયમાં ભારત માટે ડેબ્યૂ કરશે.
જોકે, 14 વર્ષનો વૈભવ હાલમાં ભારત માટે રમી નહિ શકે. વાસ્તવમાં, ICC પાસે દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે ખેલાડીની લઘુત્તમ ઉંમર અંગેનો નિયમ છે. વૈભવ સૂર્યવંશી હાલમાં 14 વર્ષ અને 34 દિવસનો છે અને 2020 માં આવેલા ICC નિયમ મુજબ, કોઈપણ ખેલાડી 15 વર્ષની ઉંમર પહેલા આંતરરાષ્ટ્રીય મેચ રમી શકતો નથી.
વૈભવ 27 માર્ચ 2026 ના રોજ 15 વર્ષનો થશે અને તે પછી તે ભારતીય સિનિયર ટીમનો ભાગ બની શકે છે. જો કે ખેલાડી 15 વર્ષની ઉંમર પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી શકે છે, પરંતુ આ માટે બીસીસીઆઈએ આઈસીસીની પરવાનગી લેવી પડે છે. જો ICC આને મંજૂરી આપે છે, તો તે 15 વર્ષની ઉંમર પહેલા ભારત માટે રમી શકે છે.
જણાવી દઈએ કે વૈભવની IPL કારકિર્દી 2025 માં શરૂ થઈ અને રાજસ્થાન રોયલ્સે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો. ભલે તેણે રણજી ટ્રોફીમાં ઘરેલુ ક્રિકેટમાં બિહારનું પ્રતિનિધિત્વ કર્યું હોય, પરંતુ તે અંડર-19 એશિયા કપમાં ભારત માટે રમ્યો છે. વૈભવ સૂર્યવંશીમાં રહેલી પ્રતિભા જોઈને, ક્રિકેટ પંડિતો માને છે કે તે એક દિવસ ચોક્કસ ભારત માટે રમશે, જોકે, ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે તેણે પૂરતા રન બનાવવા પડશે.