વડોદરામાં હોકી પ્લેયર દીકરાએ મમ્મીને કહ્યું ‘હમણાં આવું છું’ ને આવ્યા દુઃખદ સમાચાર, ગળાની તમામ નસો કપાઈ ગઈ

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતે મોતના કિસ્સાઓ સામે આવે છે. હાલ ઉત્તરાયણનો તહેવાર નજીક છે અને આવામાં દોરી આવી જવાને કારણે કેટલાક લોકોને ગંભીર ઇજા તો કેટલાક લોકોનું મોત પણ થતુ હોય છે. ત્યારે ઉત્તરાયણને હજી ગણતરીના દિવસો બાકી છે તે પહેલા જ ચાઈનીઝ દોરી એક યુવાન માટે જીવલેણ સાબિત થઈ છે. ચાઈનીઝ દોરી પ્રતિબંધિત હોવા છતા તે વેચાઈ રહી છે અને આવી સ્થિતિમાં વડોદરામાં ઉત્તરાયણ પહેલાં જ ચાઈનીઝ દોરીથી એક હોકી પ્લેયરનું ગળુ કપાયું જેને કારણે 30 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું.

પ્રતિકાત્મક તસવીર

નેશનલ રમી ચુકેલા હોકી પ્લેયર ગિરીશ બાથમે ચાઇનીઝ દોરીથી પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃતક દંતેશ્વર વિસ્તારનો રહેવાસી હતો અને આ ઘટના નવાપુરા વિસ્તારમાં રબારી વાસ પાસે બની હતી. યુવકનું મોત નીપજતા પરિવાર શોકમગ્ન બન્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દંતેશ્વર વિસ્તારમાં ભાથુજી પાર્ક ખાતે રહેતા ગિરીશ બાથમ ખાનગી સંસ્થામાં નોકરી કરતા અને રવિવારે બપોરે તે માતાને આવું છું કહીને ઘરેથી નીકળ્યા હતા.

ત્યારે છ વાગ્યાની આસપાસ નવાપુરા પોલીસ મથક પાસેથી બાઈક લઈને પસાર થતી વેળાએ પતંગની દોરી આવી જવાને કારણે ગળાની નસો કપાઈ ગઇ અને જેને કારણે તાત્કાલિક તેને 108 દ્વારા સ્થાનિક લોકોએ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસે યુવાનની બાઇક પરથી તેના પરિવારને શોધ્યો અને સમાચાર મળતાની સાથે જ પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો. પરિવારજનોને ઘટનાની જાણ થતા જ તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

Shah Jina