વડોદરા શહેર નજીક આવેલા નંદેસરી ગામમાં રહેતી યુવતી અંજના પરમાર ‘પા’ ફિલ્મના અમિતાભ બચ્ચન જેવી પ્રોજેરિયા બીમારીથી પીડાય છે. પ્રોજેરિયા પીડિત અંજના પરમારે મતદાન કર્યું હતું.

તમને જણાવી દઇએ કે, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે 2014માં લોકસભાની પેટાચૂંટણી જીત્યા બાદ નંદેસરી ગામમાં રહેતી પ્રોજેરિયા પીડિત અંજના પરમારને દત્તક લીધી હતી. જોકે, દત્તક લીધા બાદ રંજનબેન ભટ્ટે દત્તક લીધેલી દીકરી અંજના પરમારને તરછોડી દીધી હતી.
વડોદરાના સંસદ સભ્યએ તરછોડી હોવા છતાં અંજના હિંમત હારી નથી. 6 વર્ષ પહેલાં દીકરીને દત્તક લીધી, ત્યારે રંજનબેન ભટ્ટે અંજનાને 4 જોડી કપડા અને 500 રૂપિયા આપ્યા હતા. પરંતું ત્યારબાદ એક પણ વખત રંજનબેન ભટ્ટ દત્તક દીકરીને મળવા માટે ગયા નથી.
અંજના માતા-પિતા સાથે ભાડાના મકાનમાં રહે છે. અંજનાના પિતા નંદેસરી GIDCમાં માત્ર 5 હજાર રૂપિયા પગારમાં પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે, સાંસદે અંજનાને દત્તક લીધા પછી દીકરીને યોગ્ય સારવાર અને મદદ મળશે તેવી પરિવારને આશા જાગી હતી પણ માતા ના કહેવા પ્રમાણે સાંસદ માત્ર એક વખત આવ્યા હતા, ફરી ક્યારેય તેઓ દેખાયા નથી.