વડોદરામાં થયેલા બહુચર્ચિત સામુહિક દુષ્કર્મ કેસની અંદર એક પછી એક ચોંકાવનારા ખુલાસા થતા આવ્યા છે, ત્યારે હવે આ મામલામાં યુવતી જે સંસ્થામાં કામ કરતી હતી તે સંસ્થા પણ શંકાના દાયરામાં આવી ગઈ છે. ઝી ન્યુઝના રિપોર્ટ પ્રમાણે વડોદરાના છેવાડે એક કિલોમીટર અંદર જંગલમાં આવેલી વિવાદિત ઓએસીસ સંસ્થાનો ભૂતકાળ કલંકિત હોવાનું ખૂલ્યું છે.
ઝી ન્યુઝ અનુસાર એક તરફ ટ્રેનમાં આપઘાત કરનારી ગેંગરેપ પીડિતાની ડાયરીના છેલ્લા અડધા પેજના ફોટો પાડીને સોશિયલ મીડિયા દ્વારા મોકલીને ડિલીટ કરી નાંખવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. ત્યારે આ સંસ્થાના અનેક પાપ ખૂલી શકે છે. આ ઉપરાંત ઓએસિસ સંસ્થામાં ખોટા કામો ચાલતા હોવાની ગ્રામજનોએ ફરિયાદ કરી હતી.
આ બાબતે ઝી ન્યુઝમાં જણાવવામાં આવ્યું છે કે 20 વર્ષ પહેલા ઓએસીસ સંસ્થા જંગલ વિસ્તારમાં જ્યાં કાર્યરત હતી, ત્યાંની માહિતી સામે આવી છે. હાલ સંસ્થાની આ ઇમારત ખંડેર હાલતમાં છે. પરંતુ સંસ્થાનો અહીંનો વર્ષો જુનો ઇતિહાસ કલંકિત છે. વિવાદિત ઓએસીસ સંસ્થાનો વિવાદિત ભૂતકાળ સામે આવ્યો છે. 1998માં અહીંના સરપંચ રહી ચૂકેલા નેતાએ ચોંકાવનારા ખુલાસા કર્યો છે.
સિંધરોટ ગામના પૂર્વ સરપંચ ઈશ્વરસિંહ સીસોદિયાએ આ માહિતી પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, વર્ષો પહેલા ઓએસીસ સંસ્થા ફ્રેન્ડશિપ ક્લબ તેમજ મૈત્રી ભૂમિ તરીકે કાર્યરત હતી. પુખ્તવયની યુવતીઓ અને યુવકો આ સંસ્થામાં રહેતા હતા. પરંતુ આ સંસ્થાના લોકો ગ્રામજનોને સંસ્થાની આસપાસ પણ નહોતા જવા દેતા. શૈક્ષણિક આરોગ્ય અને સંશોધનના હેતુથી સંસ્થાએ સરકાર પાસેથી જમીન લીધી હતી. પંરતુ સંસ્થામાં ખોટા કામો ચાલતા હતા.
સરપંચે કહ્યું કે, આ સંસ્થાની યુવતીઓ નિર્વસ્ત્ર થઈ ફરતી હતી. ગ્રામજનો આ મામલે રજુઆત કરે તો તેઓ દાદાગીરી કરતા હતા. ગ્રામજનોની કલેક્ટર અને મામલતદારને રજુઆત બાદ સંસ્થા પાસેથી સરકારે જમીન પરત લઈ લીધી હતી. હવે ઓએસીસ સંસ્થા સામે પોલીસે તપાસ કરવી જોઈએ. વડોદરાની પીડિતાને ન્યાય મળવો જોઈએ. આ પ્રકારના કૃત્ય કરનારને ફાંસીની સજા થવી જોઈએ.
આ ઉપરાંત સંસ્થામાં ચાલતા અશોભનીય પ્રવૃત્તિના કારણે ભારે વિવાદમાં આવતા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની સરકાર દ્વારા આ સંસ્થાને આપવામાં આવેલી જમીન ખાલસા કરી હતી. ત્યાર બાદ આ સંસ્થા મૃત:પ્રાય થઈ ગઈ હતી. જે-તે સમયે સંસ્થા દ્વારા બનાવવામાં આવેલા રજવાડી ગુબજ આકારનું મકાન હાલમાં ખંડેર થઇ ગયું છે અને આ મકાન જંગલ વચ્ચે ઘેરાઇ ગયું છે.
21 વર્ષ પૂર્વે વિવાદમાં આવેલી ઓએસિસ સંસ્થામાં સામાજિક પ્રવૃત્તિઓના ઓથા હેઠળ ચાલતી પ્રવૃત્તિઓના આજની તારીખમાં પણ સિંધરોટ ગામમાં લોકો રહે છે. દુષ્કર્મ બાદ આપઘાત કરી લેનાર નવસારીની યુવતીના ચકચારી બનાવમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ઓએસિસ સંસ્થાનું નામ આડકતરી રીતે બહાર આવતા વડોદરા શહેરમાં તો ઠીક સિધરોટ ગામમાં ભારે ચર્ચાનો વિષય બની છે.
દિવ્ય ભાસ્કર મીડિયાના એક અહેવાલ પ્રમાણે ઓએસીસ સંસ્થામાં દક્ષિણ ગુજરાતની એક શિક્ષિત યુવતી જોડાઇ હતી. દરમિયાન આ સંસ્થામાં ગયા બાદ યુવતીએ તેના પરિવાર સાથે સંપર્ક બંધ કરી દીધો હતો. પિતાએ દીકરી સાથે સંપર્ક કરવા માટે પ્રયાસો શરૂ કર્યાં હતા. પરંતુ સંસ્થા દ્વારા પિતાને દીકરીને મળવા દેવામાં આવતી ન હતી. સંસ્થાની વિચાર સરણીમા ફસાઇ ગયેલી યુવતી પણ પિતા અને પરિવાર વિરૂદ્ધ થઇ ગઇ હતી.
દરમિયાન સંસ્થાની ચુંગાલમાં ફસાયેલી દીકરીને પરત મેળવવા માટે પોલીસ તંત્રની મદદ લીધી હતી. સંસ્થા ભારે વિવાદમાં આવ્યા બાદ આ સંસ્થા સંકળાયેલા વડોદરા શહેરના પ્રતિષ્ઠિત લોકોએ સંસ્થા છોડી દીધી હતી અને અશોભનીય પ્રવૃત્તિ કરતી સંસ્થા સામે જંગે ચઢ્યા હતા. દરમિયાન આ સંસ્થા સાથે જોડાયેલ અનેક યુવાનો અને યુવતીઓના પરિવારજનો આગળ આવ્યા હતા અને સંસ્થાની ચુંગાલમાં ફસાયેલા સંતાનોને મુક્ત કરાવ્યા હતા.