વડોદરા હરણી લેક દુર્ઘટના તપાસમાં FSL રિપોર્ટમાં મોટો ખુલાસો, બોટ પલટવાનું સાચું કારણ આવ્યું સામે

18 જાન્યુઆરીના રોજ વડોદરાના હરણી લેક ઝોન ખાતે થયેલ બોટ દુર્ઘટનામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના 12 નિર્દોષ બાળકો અને 2 ટીચરના મોત થયાં હતાં. ત્યારે આ મામલે આરોપીઓની પૂછપરછ થઇ રહી છે. આરોપીઓ દ્વારા નિલેશ જૈનને સંચાલનનું કામ સોંપ્યાનો ખુલાસો થયો છે.

વડોદરા હરણી લેક દુર્ઘટના

જેમાં હરણી લેક ઝોનનું સંચાલન પરેશ શાહ અને તેનો પુત્ર વત્સલ શાહ કરતા હતા.આ ઉપરાંત એવો પણ ખુલાસો થયો હતો કે અન્ય ભાગીદારોની જાણ બહાર નિલેશ જૈનને કામ સોંપાયુ હતુ. આ મામલે અત્યાર સુધી SIT દ્વારા 6 આરોપીઓની પૂછપરછ કરવામાં આવી છે અને 150 લોકોના નિવેદનો લેવામાં આવ્યા છે.

FSLની તપાસમાં સામે આવ્યું બોટ પલટવાનું કારણ

ત્યારે હવે વડોદરા હરણી લેક દુર્ઘટનામાં FSL રિપોર્ટની તપાસમાં બોટ પલટવાના કારણનો ખુલાસો થયો છે. બોટમાં ઓવરલોડ બાળકો ભરવાને કારણે એટલે કે બોટની કેપેસીટી કરતા વધારે લોકોને બેસાડવાને કારણે દુર્ઘટના સર્જાઇ હોવાનું સામે આવ્યુ છે. એક ટન વજનની ક્ષમતા ધરાવતી બોટમાં દોઢ ટન વજન થવાને કારણે બોટ પલટી મારી ગઇ હતી.

જ્યાં કોઇને નથી બેસાડાતા ત્યાં 10 બાળકોને બેસાડાયા

આ ઉપરાંત બોટમાં આગળના ભાગમાં કોઈને બેસાડવાના હોતા નથી અને ત્યાં 10 બાળકોને બેસાડાયા હતા, જેને કારણે ટર્ન લેતી વખતે બોટ પલટી ગઈ હતી. વડોદરા બોટકાંડ મામલે 18 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે.

Shah Jina