ચોઘડિયા વગરના લગ્ન:સ્મશાનમાં જાનને ઉતારો, વર-કન્યાએ ઊંધા ફેરા ફરી સપ્તપદીના બદલે બંધારણના સોગંદ લીધા- જુઓ તસવીરો
હાલમાં જ રાજકોટનાં રામોદ ગામે અનોખા લગ્ન યોજાયા, જેની ખૂબ ચર્ચા થઇ. કારણ કે આ લગ્ન સ્મશાનમાં યોજાયા અને જાનનો ઉતારો પણ સ્મશાનમાં આપવામાં આવ્યો. બુધવારે એટલે કે રામનવમીનાં દિવસે કાળ ચોઘડિયામાં વર-કન્યા ઊંઘા ફેરા ફર્યા. આ લગ્નની સૌથી ચોંકાવનારી વાત તો એ હતી કે જાનનું સ્વાગત કન્યાપક્ષના લોકોએ ભૂતપ્રેતના વસ્ત્રો ધારણ કરી કર્યુ હતુ.
આ ઉપરાંત દુલ્હને પણ કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા અને વર-વધુએ લગ્ન મંડપમાં સપ્તપદીનાં બદલે બંધારણનાં સોગંધ લીધા હતા. અંધશ્રદ્ધા, ભૂતપ્રેત, સારાં-ખરાબ ચોઘડિયાં, લગ્નમાં કાળાં કપડાં નહીં પહેરવા જેવી માન્યતાઓને હડસેલીને સમાજમાં ઉદાહરણ બેસાડવા માટે ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી ગત રોજ એટલે કે રામનવમીના દિવસે રામોદ ગામમાં પાયલ અને જયેશનાં અનોખી રીતે લગ્ન થયા.
સૌરાષ્ટ્રમાં કોટડાસાંગાણી પાસે આવેલા રામોદ ગામમાં પાયલ રાઠોડ અને જયેશ સરવૈયાએ કાળ ચોઘડિયામાં ઊંધા ફેરા ફર્યા. આ લગ્નમાં કન્યાપક્ષ અને વરપક્ષના લોકો ઉત્સાહ સાથે સહભાગી થયા હતા. રામોદ ગામની પાયલ મનસુખભાઈ રાઠોડના જયેશ મુકેશભાઈ સરવૈયા સાથે રામનવમીના દિવસે કાળ ચોઘડિયામાં લગ્ન થયા હતા અને જાનને કોઇ હોટલ કે વાડીમાં નહીં પરંતુ સ્મશાનમાં ઉતારો આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત કન્યા પક્ષ દ્વારા ભૂતપ્રેત જેવા કાળા વસ્ત્રો ધારણ કરી જાનનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. જૂની માન્યતાઓ અને અંઘશ્રદ્ધાને નાબૂદ કરવાનો એક અનોખો પ્રયાસ આ લગ્ન થકી કરવામાં આવ્યો હતો.