જેતપુરના યુવક માટે જન્મ દિવસ બન્યો જીવનનો અંતિમ દિવસ, નવું બાઈક ખરીદી અને હોટલમાં જમવા ગયો હતો, પાછા વળતા બસ સામે અથડાતા થયું મોત

રાજ્યભરમાં અકસ્માતની ઘણી ઘટનાઓ સતત સામે આવી રહી છે, જેમાં ઘણા લોકોના મોત થતા હોવાનું પણ આમે આવતું હોય છે,  ત્યારે હાલ એક અક્સ્માતની ઘટના જેતપુર  શહેરમાંથી સામે આવી રહી છે, જેમાં જન્મ દિવસના દિવસે જ એક યુવકને કાળ ભરખી ગયો હતો. બસ સાથે અથડાતા યુવકનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર જેતપુર શહેરના રબારિકા ચોકડી પર આવેલા અન્ડર બ્રીજમાં ચોમાસામાં પાણી ભરાયેલું રહેતું હોવાના કારણે યુવક બાઈક લઈને રોન્ગ સાઈડથી આવી રહ્યો હતો, ત્યારે જ સામેથી આવી રહેલી બસ સાથે તેની ટક્કર વાગી હતી અને જેના બાદ તેનું મોત નીપજ્યું હતું. યુવકના નિધનના કારણે પરિવારમાં પણ શોકનો માહોલ વ્યાપી ગયો હતો.

જેતપુર રાજકોટ નેશનલ હાઈ વે પર રબારિકા ચોકડીએ રોડની બંને બાજુએ અવરજવર માટે હાઈ વે ઓથોરિટી દ્વારા અન્ડર બ્રીજ બનાવવામાં આવ્યો છે. પરંતુ આ બ્રિજના અવર જવરના એક નાળામાં કાયમી સાડીઓના કારખાનાઓનું પાણી જ ભરાયેલું રહેતું હોવાથી તે નાળુંવાહન ચાલકો માટે બંધ જ રહે છે.

જ્યારે બીજા નાળાની અંદર ચોમાસા દરમીયાન પાણી ભરાયેલું જ રહે છે જેથી આ અન્ડર બ્રીજ ચોમાસા દરમિયાન અવરજવર માટે કામ લાગતો નથી. નેશનલ હાઈ વે ઓથોરિટીની આ બેકાળજીને કારણે જેતપુર તરફથી રાજકોટ તરફ જવું હોય અથવા રબારીકા રોડ પર જવું હોય તો વાહન ચાલકોને ફરજીયાત રોંગ સાઈડમાં વાહન ચલાવી સામેના રોડ પર જવું પડે છે.

ત્યારે ગત રાત્રે શહેરના કણકીયા પ્લોટ વિસ્તારમાં ફ્રુટનો વ્યવસાય કરતો હરેશ ટોપણદાસ સોનીયાનો જન્મ દિવસ હોવાના કારણે નવું બાઈક ખરીદ્યુ હતું અને તે બાઇક લઈને રાત્રીના હોટલમાં જમવા જતો હતો. ત્યારે અન્ડર બ્રીજમાં પાણી ભરાયેલું હોવાથી તેને ફરજિયાત રોંગ સાઈડમાં બાઇક ચાલવવું પડ્યું. જે દરમિયાન જ સામેથી આવી રહેલી  ઉંજા-જૂનાગઢ રૂટની એસટી બસ સાથે ટક્કર વાગી હતી જેના બાદ રાહદારીઓ તેને હોસ્પિટલમાં લઇ ગયા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

Niraj Patel