મંગળવારે મોડી રાત્રે અમદાવાદથી ઉજ્જૈન ફરવા આવેલી એક યુવતીએ હોટલના રૂમમાં આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. હોટલના સ્ટાફે દરવાજો તોડ્યો ને તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
ગુજરાતના અમદાવાદથી 24 વર્ષિય યુવક અને 21 વર્ષિય યુવતી ત્રણેક દિવસ પહેલા ઉજ્જૈન ગયા હતા અને કંઠાલની ગુરુકૃપા હોટેલમાં રોકાયા હતા. બુધવારે સવારે યુવતીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. યુવકેજણાવ્યું કે તે હોટલના ત્રીજા માળે એક રૂમમાં હતી અને મિત્ર સાથે મોબાઈલ પર વાત કરી રહી હતી. તે પાણીની બોટલ લેવા નીચે ગયો, પરંતુ જ્યારે તે પાછો ફર્યો ત્યારે દરવાજો અંદરથી બંધ હતો.
હોટલના મેનેજરને ફોન કરીને દરવાજો તોડવામાં આવ્યો, ત્યારબાદ યુવતી બેડ પર બેભાન હાલતમાં મળી આવી. કોતવાલી પોલીસ સ્ટેશનના ટીઆઈએ જણાવ્યું કે યુવતી તેના મિત્ર સાથે હોટલમાં રોકાઈ હતી અને તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. તેના હાથ પર નિશાન પણ મળી આવ્યા છે. પોલીસે યુવકને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે. યુવતીના પરિવારને જાણ કરવામાં આવી છે, તેમના આવ્યા પછી પરિસ્થિતિ સ્પષ્ટ થશે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બંનેના પરિવારને મહાકાલ દર્શને જવાની વાત કહીને ઘરેથી નીકળ્યા હતા. બંને છેલ્લા ત્રણ દિવસથી ઉજ્જૈનમાં હતા, પરંતુ અચાનક એવું શું થયું કે યુવતીએ આ પગલું ભર્યું તે જાણી શકાયું નથી. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોલીસે તપાસ શરૂ કરી છે.