ટ્રાફિકના નિયમો તોડી રહેલા ટ્રાફિક પોલીસ અધિકારીને મેહુલ બોઘરાએ કરાવ્યું કાયદાનું ભાન, કાળા કાચ માટે અપાવ્યો મેમો, જુઓ વીડિયોમાં લોકોએ શું શું કહ્યું પછી ?
Mehul Boghra paid the fine to the traffic police : આપણા દેશમાં ટ્રાફિકના નિયમો (traffic rules) તોડનારા માટે કડક કાયદા અમલમાં છે. ટ્રાફિક પોલીસ (traffic police) પણ ટ્રાફિકના નિયમો તોડી રહેલા લોકો પર બાજ નજર રાખતી હોય છે અને તેમને કાયદાનું ભાન કરાવીને તેમની પાસે દંડ પણ વસુલતી હોય છે. ત્યારે જો કાયદાનું રક્ષણ કરનારા જ કાયદાનો ભંગ કરે અને રોડ પર ટ્રાફિક નિયમોનું ઉલ્લઘન કરે તો ?
ત્યારે હાલ આવો જ એક મામલો સુરતમાંથી સામે આવ્યો છે. જ્યાં સુરતના એક જાગૃત નાગરિક અને ભ્રષ્ટાચારને સતત લાઈવ વીડિયો દ્વારા લોકોની સામે લાવનારા મેહુલ બોઘરાએ હાલમાં જ એક ટ્રાફિક પોલીસકર્મીને કાયદાનું ભાન કરાવ્યું અને તેમની પાસે તેમને મેમો પણ ફડાવ્યો, આ આખી જ ઘટના તેમણે લાઈવ વીડિયોમાં કેદ પણ કરી લીધી.
આ વીડિયો શેર કરવાની સાથે મેહુલ બોઘરાએ કેપશનમાં લખ્યું છે, “કાળા કાચ રાખવા બદલ પોલીસ ઇન્સ્પેક્ટરનો ફાટ્યો મેમો…સુરત, કાપોદ્રા પોલીસ સ્ટેશનની બાજુમાં તારીખ 11/05/2023 ના રોજ બપોરના 02:27 પીઆઇ કે. જે. ભોંયે સર્કલ-૨ સુરત પોતે જ કાળી ફિલ્મ વાળી ગાડી લાવીને કાયદાનો ભંગ કરતા હોય, પોતે કાયદાનું પાલન કરવાને બદલે વાહન ચાલકોને રોકી અને દંડ વસૂલતા હોય, મારા ધ્યાને આવતા પી.આઈ કે. જે. ભોંયે સર્વપ્રથમ પોતાનું ચલણ ફાડી અને કાયદાના ભંગ બદલ દંડ ભરવા માટે કહેતા, પી. આઇ.શ્રીએ પોતાની ભૂલ સ્વીકારી અને ₹500 નો દંડ ભરી દીધેલ.
ટૂંકમાં આ ભારત દેશમાં કાયદાઓ રાજાઓના પણ રાજા છે કાયદાથી ઉપર કોઈ નથી અને કાયદાઓનું પાલન કરવાનો સંપૂર્ણ બોજો માત્રને માત્ર ગરીબ જાહેર જનતા પર નથી જેથી કાયદાઓનો સર્વપ્રથમ પાલન કરો અને ત્યારબાદ જાહેર જનતા પાસેથી કાયદાઓના ભંગ બદલ દંડ વસૂલ કરો. જય હિંદ.”
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મેહુલ બોઘરા જ્યાં ટ્રાફિક પોલીસ ચલણ કાપતા હોય છે ત્યાં પહોંચે છે અને ત્યાં એક કાળા કાચ વાળી ગાડી જોઈને કહે છે કે આ કોની કાર છે ? ત્યારે ત્યાં લોકો કહે છે કે સાહેબની કાર છે. જેના બાદ તે પીઆઇ કે. જે. ભોયેને પોતાનો જ મેમો ફાડવાનું કહે છે અને પછી તે કોઈ દલીલ કર્યા વગર મેમો પણ ફાડી લે છે.
પોતાના ખિસ્સામાંથી પૈસા આપીને તે એમ પણ કહે છે કે મારી પાસે સરકારી ગાડી છે, પરંતુ તે બગડી ગઈ હોવાથી હું બીજાની ગાડી લઈને આવ્યો છે. જેના બાદ તે મેહુલ બોઘરાને પોતાની પાસે બેસાડે છે અને મેહુલ બોઘરા પણ પોલીસકર્મીને કાળ કાચ ઉતારી લેવા માટે પણ જણાવે છે. ત્યારે આ વીડિયો હવે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.