આ ખેલાડીને લોકડાઉનમાં ઘરમાં ખાવાના પણ હતા ફાંફા, આજે IPLમાં કરોડોમાં વેચાયો

બેંગ્લોરમાં યોજાયેલ આઈપીએલ ઓક્શનમાં ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ થયો. જેમા ઘણા ખેલાડીઓ રાતો રાત કરોડપતિ બની ગયા. તો ઘણા એવા પણ ખેલાડીઓ છે જે મોટા નામ હોવા છતા કોઈએ ન ખરિદ્યા. 12 અને 13 ફેબ્રુઆરીના રોજ થયેલી આ હરાજીમાં કેટલાક નામો એવા છે જે તમે કદાચ પહેલીવાર સાંભળતા હશો.

આ ખેલાડીઓની ઘરની હાલત એવી હતી કે બે ટાઈમ જમવા માટે પણ ફાંફા થવા લાગ્યા હતા. આવો જ એક ખેલાડી છે હૈદરાબાદનો તિલક વર્મા. તિલકને 1.7 કરોડ રૂપિયામાં મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો છે. એક સમયે તેમના ઘરમાં ખાવાના પણ ફાંફા પડી ગયા હતા.

તિલકના અત્યાર સુધીની સફર વિશે વાત કરીએ તો તે હૈદરાબાદના ચંદ્રયાનગુટ્ટામાં ક્રિકટ રમતો હતો. તે 9 વર્ષની ઉંમરે જ ક્રિકેટ રમવા લાગ્યો હતો. તેને કટ અને પુલ શોટ રમવાની સ્ટાઈલ ગજબની છે. તેમના પિતા ઇલેક્ટ્રિકનું કામ કરતા હતા. આવક ઓછી હોવાને કારણે તેના પુત્રની બધી માગ પુરી કરી શકતા ન હતા. પછી તેમની વહારે તેમના કોચ આવ્યા અને તિલકનો ખર્ચો ઉઠાવ્યો અને આજે તિલક આઈપીએલની સૌથી સફળ ટીમનો ભાગ બની ગયો છે.

તિલકે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે મારી સફળતામાં સૌથી મોટો હાથ મારા કોચ સલામ બાયશનો છે. તેમણે કહ્યું કે, જો મારા કોચ ન હોત તો હું આજે ક્રિકેટ માટેનો સામાન ખરીદી શક્યો ન હતો. એટલું જ નહીં જ્યારે અમારા ઘરની સ્થિતિ સારી નહોતી ત્યારે તેમણે મને તેમના ઘરે પણ રાખયો હતો. તિલકના પિતા પાસે એટલા પૈસા નહોતા કે તે તેમના પુત્રને ક્રિકેટ એકેડમીમાં મોકલી શકે. તિલકે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, તમે મારા વિશે ભલે ન લખો પણ મારા કોચ વિશે જરૂર લખજો.

તિલકે આગળ કહ્યું કે, કોચે મારા માટે ક્રિકેટનો સામાન ખરીદ્યો. હું જ્યારે ક્રિકેટ એકેડમીમાં જોઈન થયો ત્યારે મારો બધો ખર્ચ તે જ ઉઠાવતા હતા. મારી આ સફળતમાં તેમનો અને મારા પરિવારનો મોટો હાથ છે. કોરોના મહામારી દરમિયાન તિલકના પિતાને કામ મળતુ બંધ થઈ ગયું હતું. લોકડાઉનમાં પરિવારના 4 સભ્યોનું ભરણપોષણ કરવું મુશ્કેલ થઈ ગયું હતું. આવી પરિસ્થિતિમાં તિલકને ક્રિકેટ છોડવાની નોબત આવી ગઈ પરંતુ કોચ સલામ બાયશે તેમનો સાથ આપ્યો.

તમણે આગળ તેમના સંઘર્ષ વિશે વાત કરતા કહ્યું કે, અહીં સુધી પહોંચવામાં બહુ સંઘર્ષ કરવો પડ્યો છે. કોરોનાકાળમાં ખર્ચા પર  કાપ મુકવા પડ્યા. આ સમયે કોચે કહ્યુ કે તુ ક્રિકેટ રમવાનું ચાલું રાખ. સમય આવશે ત્યારે બધુ સરખુ થઈ જશે. મને વિશ્વાસ હતો કે એક દિવસ હુ આઈપીએલ જરૂર રમીશ. પરંતુ આટલા પૈસા મળશે તેના વિશે ક્યારેય વિચાર્યું નહોતુ. મુંબઈ મારી ફેવરિટ ટીમ રહી છે. મુંબઈ માટે રમવુ સપનુ સાકાર થવા બરાબર છે. મને આ ટીમમાં સામેલ થવાથી ઘણું શિખવા મળશે અને મારી ભૂલો સુધરશે.

તિલકના આંકડા ઉપર નજર કરીએ તો તેમણે રણજી ટ્રોફીમાં આંધ્ર સામે ડેબ્યુ કર્યું હતું, અંડર19 વર્લ્ડ કપ 2020માં તે ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. ત્યારે ભારતની ટીમ ફાઈનલમાં બાંગ્લાદેશ સામે હારી ગઈ હતી. તિલકે વર્લ્ડ કપમાં બે મેચમાં 38 અને 48 રન બનાવ્યા હતા. વિજય હજારે ટ્રોફીમાં તિલકે પાંચ મેચમાં 180 રન બનાવ્યા હતા અને સાથે સાથે 4 વિકેટ પણ લીધી હતી. આ ઉપરાંત સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેમણે 147.26ની સ્ટ્રાઈક રેટથી 215 રન બનાવ્યા હતા.

YC