ન્યૂયોર્કમાં પાકિસ્તાનીના ઘરમાંથી ધોળા દિવસે $3.2Mના દાગીનાની ચોરીન્યૂયોર્કના ક્વિન્સ વિસ્તારમાં ધોળા દિવસે થયેલી ચોરીની ઘટનાએ પોલીસ સહિત આખા દેશને ચકિત કરી દીધો છે. જમૈકા હિલ્સ નજીક 160th સ્ટ્રીટ અને 84th ડ્રાઈવ પર આવેલા એક પાકિસ્તાની જ્વેલરના ઘરમાંથી આશરે 3.2 મિલિયન ડોલર (લગભગ ₹27 કરોડ)ના દાગીના ચોરાઈ ગયા હતા. આ ચોરી 16 ઓક્ટોબરના બપોરના સમયે થઈ હોવાનું ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે.

પોલીસ અનુસાર, ત્રણ શકમંદો કન્સ્ટ્રક્શન વર્કરનાં કપડાં પહેરીને બ્લૂ કલરની હ્યુન્ડાઈ એલાન્ટ્રા કારમાં મકાનની નજીક પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે ઘરના પાછળના દરવાજા તોડી અંદર પ્રવેશ કર્યો અને સેફમાંથી કિંમતી દાગીના ચોરી લીધા. ચોરી બાદ ત્રણે શકમંદો ફટાફટ નાસી છૂટ્યા હતા. ઘટના સમયે મકાનમાં કોઈ હાજર હતું કે નહીં તેની માહિતી હાલ સામે નથી આવી, પણ કોઈ વ્યક્તિ સાથે ચોરોનો સામનો થયો નહોતો અને કોઈને ઈજા પણ નથી પહોંચી.

આના પરથી જ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ચોરો ઘરમાં ઘૂસ્યા ત્યારે ત્યાં કોઈ હાજર નહોતું. પોલીસે જણાવ્યું કે ઘરના માલિક જ્વેલર છે અને ચોરોએ આખી યોજના બનાવીને માત્ર કેટલીક જ મિનિટોમાં ચોરીને અંજામ આપ્યો. પોલીસે સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા છે, જેમાં બે ચોર કન્સ્ટ્રક્શન વર્કર જેવા કપડામાં ચહેરા ઢાંકી ઘરમાં પ્રવેશતા જોવા મળે છે. ABC 7 ન્યૂયોર્કના રિપોર્ટ મુજબ, આ મકાનમાં પાંચ સભ્યોની એક પાકિસ્તાની ફેમિલી રહે છે.

ચોરાયેલા દાગીનામાં કેટલાક કસ્ટમ મેડ જ્વેલરીના સેટ્સ પણ સામેલ છે, જે માલિકે પોતાની પત્ની માટે ખાસ બનાવ્યા હતા. ચોરી ગયેલા દાગીનાના ફોટોગ્રાફ્સ પણ ન્યૂઝ ચેનલે જાહેર કર્યા છે, જેથી ચોરોને દાગીના વેચવામાં મુશ્કેલી પડે. ફેમિલીમાંથી એક 24 વર્ષિય યુવતીએ ફોન પર ABC 7ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ચોરાયેલા અમુક દાગીના તેમની માતાને વારસામાં મળ્યા હતા અને તેઓએ સંતાનોના લગ્ન માટે સાચવીને રાખ્યા હતા.

તેણે કહ્યુ- “આ દાગીના અમે બાળપણથી જોઈ રહ્યા છીએ, એ માત્ર સોનાં-ચાંદી નહીં પણ અમારી યાદો છે.” પોલીસે શંકા વ્યક્ત કરી કે આ ચોરી કોઈ અંદરની માહિતી ધરાવતા વ્યક્તિની મદદથી થઈ હોય તેવી શક્યતા છે, કારણ કે ચોરોએ 10 ફૂટ લાંબી સીડી સાથે આવતાં પૂરો પ્લાન બનાવીને ફક્ત 20 મિનિટમાં ચોરી પૂરી કરી હતી. ક્વિન્સ વિસ્તારમાં પાકિસ્તાની અને ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં વસે છે, જેમાં ઘણાં લોકો જ્વેલરી સહિતના નાના અને મધ્યમ ધંધામાં સંકળાયેલા છે.