ટીમ ઇન્ડિયાને મળ્યું નવું રમકડું, કપ્તાન રોહિત શર્મા સાથે ખેલાડીઓ પણ લેવા લાગ્યા આનંદ, ચહલ તો જે કર્યું તે જોઈને… જુઓ વીડિયો

એશિયા કપ 2022 ટીમ ઈન્ડિયા માટે સારો નહોતો. એશિયા કપમાં ભારતે ભલે જીત સાથે શરૂઆત કરી હોય, પરંતુ સુપર ફોર સ્ટેજની મેચમાં પાકિસ્તાન અને શ્રીલંકા સામે હારનો સામનો કર્યા બાદ ટીમ ઈન્ડિયાનું એશિયા કપમાં ચેમ્પિયન બનવાનું સપનું અધુરુ રહી ગયું. એશિયા કપમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ કહ્યું હતું કે ડ્રેસિંગ રૂમનું વાતાવરણ સારું છે.

એશિયા કપ દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પણ ઘણી મસ્તી કરી હતી. તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હાલમાં જ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનો વધુ એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ સ્પાઈડરકેમ સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં રોહિત શર્મા અને દિનેશ કાર્તિક સ્પાઈડરકેમ સામે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. તેની સાથે કોચ પેડી અપટન પણ સામેલ છે. વીડિયોમાં હાર્દિક પંડ્યા અને યુઝવેન્દ્ર ચહલ પણ જોવા મળી રહ્યા છે. ચહલ સ્પાઈડર કેમ સાથે વાત કરી રહ્યો છે અને કેમેરાને પોતાની તરફ બોલાવી રહ્યો છે. આ વીડિયોમાં તમામ ખેલાડીઓ હસતા અને મજાક કરતા જોઈ શકાય છે.

અફઘાનિસ્તાન સામેની તેમની છેલ્લી સુપર 4 મેચ દરમિયાન ખેલાડીઓ સ્પાઈડર કેમેરા સાથે રમતા જોવા મળ્યા હતા. સૌથી મજાની વાત એ છે કે આ આખી ઘટના પણ એ જ કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી, જે એકદમ ફની છે. IPL ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સે તેના ટ્વિટર હેન્ડલ પર વીડિયો પોસ્ટ કર્યો છે.

એશિયા કપમાં ભારતે અફઘાનિસ્તાન સામે 101 રને જોરદાર જીત મેળવીને સફરનો અંત કર્યો હતો. લગભગ ત્રણ વર્ષથી રાહ જોઈ રહેલા ચાહકોને ભારતીય દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીના બેટથી શાનદાર સદી જોવા મળી. ટીમ ઈન્ડિયાએ હવે ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપમાં રમવાની છે, પરંતુ તે પહેલા ભારતે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે હોમ સિરીઝ રમવાની છે.

Niraj Patel