જો મહેનત અને ધગસ સાચી હોય તો તમને સફળ થતા કોઈ ના રોકી શકે ! આ વાત સાબિત કરી આપી આ ખેડૂતની દીકરીએ, બની ગઈ ઇન્સ્પેકટર

કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો, ઘણા લોકો હોય છે જે પોતાની મહેનત અને ધગસથી પોતાનું આગવું નામ બનાવતા હોય છે, ઘણા લોકોની સફળતાની કહાનીઓ એવી હોય છે જે આપણને પણ પ્રેરણા આપે છે. આજે ઘણા યુવાનો સરકારી ભરતીની તૈયારીઓ કરતા હોય છે અને દિવસ રાત મહેનત કરીને પોતાના સપનાને પૂર્ણ કરતા હોય છે.

આજે તમને એવી જ એક ગુજરાતની દીકરીની કહાની જણાવીશું જેને હાલ ઇન્સ્પેકટર બની અને પરિવારનું નામ રોશન કર્યું છે. આ દીકરી છે મૂળ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા અને કચ્છની અંદર  છેલ્લા બે વર્ષથી આઈસીડીએસ શાખામાં મુખ્ય સેવિકા તરીકે ફરજ બજાવતી કુંદન ગઢવી. જે હાલમાં પોલીસ ઇન્સ્પેકટર બની છે.

ગુજરાતી આ દીકરીને બાળપણથી જ પોલીસમાં જોડાવવાની ઈચ્છા હતી અને તેમને આ સપનાને પૂરું કરવા માટે દિવસ રાત મહેનત કરી, આ દરમિયાન તે સરકારી આઈસીડીએસ શાખામાં જોડાયા અને તેમનું કચ્છમાં પોસ્ટિંગ થયું અને ફરજ માટે કચ્છમાં ગયા. જ્યાંથી પણ તેમને મહેનત ચાલુ રાખી અને ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ 2ની પરીક્ષા પાસ કરી પોલીસ ઇન્સ્પેકટર બન્યા.

આ બાબતે કુંદન ગઢવીએ ન્યુઝ 18 સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે “બાળપણમાં જ્યારે પોલીસની પરેડ થતી હોય ત્યારે હંમેશ એક ઈચ્છા જાગતી કે જો હું પણ પોલીસમાં હોઉં તો એક સારી લીડર બની વિભાગને ગાઈડ કરી શકું.” કુંદનબેનનો પરિવાર ખેતી સાથે સંકળાયેલો છે.

ન્યુઝ 18ના રિપોર્ટ પ્રમાણે કુંદનબેનના વતન ધ્રાંગધ્રાના પીપળી ગામે તેમનો પરિવાર ખેતીવાડી સંભાળે છે. પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ કુંદનબેને પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષા માટે તૈયારી શરૂ કરી હતી. 2018માં પરીક્ષા આપ્યા બાદ ઇન્ટરવ્યૂ રાઉન્ડ સુધી પહોંચ્યા હતા એટલા બીજી વખત ભરતી આવતા ફરી અથાક મહેનતથી તૈયારી કરી ઇન્ટરવ્યૂ પણ પાસ કર્યું હતું.

કુંદનબેને જણાવ્યું હતું કે “ગાંધીધામમાં બે વર્ષ આઇ.સી.ડી.એસ. શાખામાં ફરજ બજાવતા ત્યારે બાજુમાં જ પોલીસ અધિક્ષકની કચેરીમાં પોલીસ કર્મીઓને પોતાનું કામ કરતા જોઈ આકર્ષાતા હતા. “આઈ.સી.ડી.એસ. શાખામાં ફરજ બજાવતા બાદ હવે પોલીસ વિભાગમાં હું મહિલાઓ અને બાળકો માટે ખૂબ સારી કામગીરી કરી શકીશ. આપણા દેશમાં થતાં જુવેનાઇલ ક્રાઈમ અને બાળકો પ્રત્યે થતાં ક્રાઇમ હું અટકાવી શકું તે તરફ પ્રયાસો કરીશ !”

કુંદનબેને વર્ગ 3 માટે તૈયારીઓ શરૂ કર્યા સમયે કોચિંગ ક્લાસમાં જોડાયા હતા પણ બાદમાં કોરોના મહામારીના કારણે ક્લાસ બંધ કર્યા હતા અને જાતે બધી મહેનત કરતા હતા. તેમણે જણાવ્યું હતું કે “ઇન્સ્પેકટર બનેલા લોકો સાથે વાતો કરી તેમની પાસેથી મળેલું માર્ગદર્શન તેમને ખુબ ઉપયોગી બન્યું હતું. “સરકારી ભરતીની પરીક્ષાઓ માટે તૈયારી કરતા લોકોને પરીક્ષા પાસ કરી અધિકારી બનેલા લોકો પાસેથી ખાસ માર્ગદર્શન લેવું જોઈએ. તેમની પાસેથી મળેલું માર્ગદર્શન તૈયારી કરતા વખતે ધ્યાનમાં રાખવા જેવી વસ્તુઓ જાણવા મળે છે,”
(સૌજન્ય: ન્યુઝ 18 ગુજરાતી)

Niraj Patel