સુરત : લકઝરી બસ ચાલક બન્યો યમરાજ, નશામાં ધૂત ડ્રાઈવરે 7-8 વાહનોને લીધા અડફેટે- ત્રણના મોત

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતના કિસ્સા સામે આવે છે, જેમાં કેટલીકવાર ડ્રાઇવરની ભૂલના કારણે લોકોના જીવ પણ જોખમમાં મૂકાતા હોય છે અથવા તો કેટલાકના મોત પણ થતા હોય છે. ત્યારે હાલમા્ં સુરતનાં કામરેજથી અકસ્માતનો મામલો સામે આવ્યો. એક લકઝરી બસના ડ્રાઇવરે બેફામ રીતે બસ હંકારી 7થી8 વાહનોને અડફેટે લીધા હતા. ડ્રાઇવર ટોલ નાકાથી વાહનોને ઉડાડતો કામરેજ સુધી પહોંચ્યો અને તેણે કાર, સાયકલ તેમજ રિક્ષા સહિતનાં વાહનોને અડફેટે લીધા. બસની અડફેટને પગલે વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. (તમામ તસવીરો સૌજન્ય : વીટીવી ગુજરાતી )

આ ઉપરાંત કેટલાકને ગંભીર ઈજાઓ પણ થઇ હતી. જો કે ડ્રાઈવરને સ્થાનિકો દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેઓએ ડ્રાઇવરને મેથીપાક ચખાડ્યો હતો. એવું સામે આવ્યુ છે કે ડ્રાઇવર નશાની હાલતમાં હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, કનૈયા ટ્રાવેલ્સની બસનાં ડ્રાઇવરે ઘણા વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. એવી માહિતી સામે આવી છે કે આ બસ ગુંદા જામનગરથી સુરત આવી રહી હતી. તે દરમિયાન અકસ્માતની ઘટના બની. આ અકસ્માતને પગલે 3 વાહન ચાલકોનાં મોત થયા છે.

સ્થાનિકો દ્વારા લકઝરી બસના ડ્રાઇવરને ઉભો રાખી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, આ દરમિયાન તે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું. આ મામલાની જાણ સ્થાનિકોએ પોલીસને કરતા પોલીસ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી હતી અને બસચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Shah Jina