સુરતના આ પરિવાર દ્વારા જન્મ દિવસ અને મેરેજ એનેવર્સરીનાં ખોટા ખર્ચ કરવાના બદલે કર્યું એવું કામ કે તમે પણ કરશો દિલથી સલામ

દરેક વ્યક્તિ પોતાના જન્મ દિવસ અને લગ્નની વર્ષગાંઠને યાદગાર બનાવવા માંગતો હોય છે, તે ઈચ્છે છે કે આ દિવસે કંઈક મોટું આયોજન કરવામાં આવે. જોકે હાલમાં કોરોનાના કારણે ભવ્ય આયોજનો સંભવ નથી છતાં પણ લોકો આવા પ્રસંગોમાં ખર્ચ કરવાનું વિચારે છે. પરંતુ સુરતના આ પરિવાર દ્વારા જન્મ દિવસ અને લગ્નની વર્ષગાઠમાં ખોટા ખર્ચ કરવાના બદલે એક એવું પગલું ભરવામાં આવ્યું જે જાણીને તમને પણ તેમના ઉપર ગર્વ થશે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતની અગ્રણી સામાજિક સંસ્થા મોટા મંદિર યુવક મંડળની પ્રેરણાથી સમાજ માટે ખરા અર્થમાં ઉપયોગી થવાની ભાવના અને આ મહામારીના સમયમાં લોકોની મદદ થઇ શકે તે માટે થઈને સુરતના દેસાઈ અને દલાલ પરિવારે તેમના ત્રણ યુવા સંતાનોના જન્મદિન અને મેરેજ એનિવર્સરીને એક પ્રેરણાત્મક પગલું ભરીને યાદગાર બનાવી હતી.

આ બંને પરિવારે સંતાનો સાથે મળીને ચૌટાબજાર, કોટ વિસ્તારમાં આવેલી 175 વર્ષ જૂની શેઠ પી.ટી.સુરત જનરલ હોસ્પિટલને અદ્યતન સુવિધાયુક્ત એમ્બ્યુલન્સની ભેટ આપી હતી, અને અન્ય યુવાનોને, સમાજને પ્રેરણા પૂરી પાડી છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર તા.25મી મેના રોજ મોટા મંદિર યુવક મંડળના નેહલભાઈ દેસાઈની સુપુત્રી ધ્વનિનો જન્મદિવસ હતો, આ ઉપરાંત સંજયભાઈ દલાલના સુપુત્ર ધર્માંગ અને પુત્રવધુ કૃતિની મેરેજ એનિવર્સરી પણ હોવાના કારણે બંને પરિવારોએ સેવાભાવના સાથે શુભપ્રસંગને યાદગાર બનાવવાનું આયોજન કર્યુ હતું.

આપણે મોટાભાગે જોઈએ છીએ કે પ્રકારના કોઈ શુભ પ્રસંગોમાં કેક કાપી, પરિવાર અને મિત્રવર્તુળ સાથે પાર્ટી કરીને ઊજવવામાં આવતા હોય છે, પરંતુ દેસાઈ અને દલાલ પરિવારે જન્મદિન અને મેરેજ એનિવર્સરીને એક નવી રીતે ઉજવવાનો નિર્ણય કર્યો.

તેમને આ મહામારીના સમયમાં લોકોની પણ કોઈ સેવા થાય અને તેમને મદદ રૂપ બની શકાય તે માટેનું પગલું ભરતા તા.25 મી મેના રોજ એક અદ્યતન સુવિધા વાળી અને વાતાનુકુલિત એમ્બ્યુલન્સ હોસ્પિટલને ભેટમાં આપી હતી.

આ વાતાનુકુલિત એમ્બ્યુલન્સની અંદર હાઇડ્રોલિક સ્ટ્રેચર, કાર્ડિયાક અને બાયપેપ મશીન ચલાવવા બેટરી બેકઅપવાળું ઇન્વર્ટર સિસ્ટમ, પબ્લિક એનાઉસમેન્ટ સિસ્ટમ અને અન્ય અદ્યતન સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

આ મહામારીના સમયમાં આપણે જોયું છે કે સામાન્ય લોકો માટે એમ્બ્યુલન્સ કેટલી જરૂરી છે. ત્યારે દેસાઈ અને દલાલ પરિવાર દ્વારા હોસ્પિટલમાં આપવામાં આવેલી આ એમ્બ્યુલન્સ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે.

Niraj Patel