ન્યુઝીલેન્ડ સામે બેવડી સદી ફટકારનાર શુભમન ગિલના પિતાએ તેના જન્મ પહેલા જ જોયું હતું તેને ક્રિકેટર બનાવવાનું સપનું, જુઓ તેના પરિવાર સાથેની ખાસ તસવીરો

જ્યાં આખો દેશ, ક્રિકેટ પ્રેમીઓ અને દિગ્ગજો શુભમનની પ્રસંશા કરી રહ્યા છે ત્યાં પિતા બેવડી સદીથી છે નારાજ, જાણો દીકરાને ક્રિકેટર બનાવવા પિતાએ શું સહન કર્યું ?

હાલ ન્યૂઝલેન્ડની ટિમ ભારતના પ્રવાસે છે અને ભારતમાં હાલ એક દિવસીય શ્રેણી ચાલી રહી છે, જેન પહેલી મેચ ગઈ કાલે યોજાઈ હતી. જેમાં ભારતે જીત મેળવી. આ મેચમાં હીરો રહ્યો ભારતીય બેટ્સમેન શુભમન ગિલ. જેણે આ મેચમાં બેવડી સદી ફટકારીને એક નવો કીર્તિમાન પણ સ્થાપિત કર્યો હતો.

ગઈકાલે યોજાયેલી મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 349 રનનો વિશાળ સ્કોર સ્થાપિત કર્યો. જેમાં શુભમન ગીલે 149 બોલમાં 9 છગ્ગા અને 19 ચોગ્ગા સાથે 208 રન બનાવ્યા હતા. જવાબમાં ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમે પણ જબરદસ્ત ફાઇટ આપી પરંતુ તે જીત સુધી પહોંચી ના શકી અને આ હાઈસ્કોરિંગ મેચને 12 રનથી ભારતે જીતી લીધી.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં શુભમન ગિલ છવાયેલો છે. આજે અમે તમને તેના જીવન વિશેની કેટલીક ખાસ વાતો જણાવીશું. શુભમન ગિલને ક્રિકેટર બનાવવાનું સપનું તેના પિતાએ જ જોયું હતું અને ગિલે તેને પૂરું કર્યું. શુભમનના પિતા લખવિંદર સિંહે આ માટે ઘણી મહેનત કરી હતી. શુભમનનો જન્મ 8 સપ્ટેમ્બર 1999ના રોજ પંજાબના ફાઝિલ્કા જિલ્લાના ચક ખરેવાલા ગામમાં થયો હતો.

શુભમનના પિતાએ ખેતરોની વચ્ચે તેમના પુત્ર માટે ખેતર તૈયાર કરાવ્યું. જેથી શુભમનને બેટિંગ પ્રેક્ટિસની મહત્તમ તક મળી શકે.  શુભમનને ક્રિકેટર બનાવવા માટે પિતા લખવિંદર સિંહે ગામમાં ખેતી છોડી દીધી અને મોહાલી શિફ્ટ થઈ ગયા. જેથી શુભમનને યોગ્ય તાલીમ મળી શકે.

શુભમન ગિલના પરિવારમાં તેના પિતા લખવિંદર સિંહ ગિલનો સમાવેશ થાય છે જેઓ એક ખેડૂત છે. તેની માતાનું નામ કીરત ગિલ છે અને તેની બે બહેનો શાહનીલ કૌર ગિલ અને સિમરન સિદ્ધુ છે. તો આજે જયારે દીકરાએ બેવડી સદી મારી અને આખા દેશમાં પોતાનું નામ ગુંજતું કર્યું છે ત્યારે તેના પિતા તેની આ બાવડી સદીથી ખુશ નથી.

તમામ ભૂતપૂર્વ ક્રિકેટરો અને ક્રિકેટ ચાહકો ગિલના વખાણ કરી રહ્યા છે ત્યારે તેના પિતા લખવિંદર સિંહે કહ્યું, “તમે જુઓ છો કે તે કેવી રીતે આઉટ થઈ રહ્યો છે, સદી ફટકાર્યા પછી પણ તેની પાસે બેવડી સદી ફટકારવા માટે પૂરતો સમય હતો. તેને આ શરૂઆત હંમેશા નહીં મળે. તે ક્યારે શીખશે?”

તમને જણાવી દઈએ કે શુભમન ગિલના પિતા પણ ક્રિકેટર બનવા માંગતા હતા પરંતુ ઘર અને પરિવારની જવાબદારીઓને કારણે તેઓ પોતાનું સપનું પૂરું ન કરી શક્યા. જે પછી તેમણે નક્કી કર્યું કે તે પોતાના દીકરાને મોટો ખેલાડી બનાવશે અને તે શુભમનની ક્રિકેટ કારકિર્દી માટે મોહાલીના પીસીએ સ્ટેડિયમ પાસે શિફ્ટ થયા અને ભાડા પર ઘર લીધું.

Niraj Patel