શ્રદ્ધાના પિતા સાથે આફતાબના પરિવારજનોએ કર્યુ હતુ આવું વર્તન, કહ્યુ- ઘરમાં ઘુસવા પણ…

શ્રદ્ધા વોકર હત્યા કેસમાં હવે આફતાબ પૂનાવાલાના પરિવાર વિશે નવી જાણકારી સામે આવી છે. વર્ષ 2019માં જ્યારે શ્રદ્ધા અને આફતાબે સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે શ્રદ્ધાના માતા-પિતાએ તેનો વિરોધ કર્યો હતો. માતા-પિતાના ના માનવા પર શ્રદ્ધા ઘર છોડી જતી રહી હતી. મલાડમાં એક ભાડાના ઘરમાં શ્રદ્ધા અને આફતાબ શિફ્ટ થઇ ગયા હતા. હવે જાણકારી સામે આવી છે કે, ઘર છોડ્યા બાદ શ્રદ્ધાના પિતા અને તેનો ભાઇ મદદ માટે વસઇમાં આફતાબના ઘરે પહોંચ્યા હતા, પરંતુ તેના પરિવારજનોએ શ્રદ્ધાના પિતાને ઘરમાં ઘુસવા પણ દીધા નહોતા.

ઇન્ડિયા ટુડેના રીપોર્ટ અનુસાર, આફતાબના ઘરવાળાએ તેને ફોન કર્યો અને કહ્યુ કે, શ્રદ્ધાના પરિવારવાળા સાથે તે પોતે વાત કરે અને તેમને આમાં ના ઘસેડે. આફતાબના પરિવારના સભ્યો કોઈપણ પ્રકારની મદદ કરવા તૈયાર ન હતા. રિપોર્ટ અનુસાર, તેણે ત્યાં સુધી કહ્યું કે આ બધી શ્રદ્ધાની ભૂલ છે અને હવે તેને આફતાબ સાથે કોઈ લેવાદેવા નથી. ઈન્ડિયા ટુડેને શ્રદ્ધાના નજીકના પારિવારિક મિત્ર પાસેથી આ સંપૂર્ણ માહિતી મળી છે. આ ઘટનાથી શ્રદ્ધાની માતા ખરાબ રીતે ભાંગી પડી હતી. આ પછી તે બીમાર રહેવા લાગી.

આ બધાને કારણે શ્રદ્ધાના પિતાએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો અને તેને ઘરે પરત આવવા કહ્યું. પરંતુ પિતા વિકાસ વોકરના પ્રયત્નો નિષ્ફળ ગયા. શ્રદ્ધાએ તેને કહ્યું કે તે પોતાના નિર્ણયો લેવા માટે મેચ્યોર છે. તેણે ત્યાં સુધી કહ્યું હતું કે જો તેના પર દબાણ કરવામાં આવશે તો તે કાયદાકીય મદદ લેશે. આ પછી પરિવારની શ્રદ્ધા સાથેની વાતચીત ધીરે ધીરે બંધ થઈ ગઈ હતી. જ્યારથી શ્રદ્ધા ઘર છોડી ગઇ ત્યારથી માતાએ મિત્રો અને સંબંધીઓ સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું.

23 જાન્યુઆરી 2020ના રોજ શ્રદ્ધાની માતાનું અવસાન થયું. ફેમીલી ફ્રેન્ડે માહિતી આપી કે શ્રદ્ધા સાથે આફતાબની મારપીટ વિશે તેના કેટલાક મિત્રો પાસેથી ખબર પડી હતી. શ્રદ્ધાના મિત્રો લક્ષ્મણ અને સુબિને ઝઘડા પછી તેને બચાવી હતી. લડાઈને કારણે તે ત્રણ દિવસ સુધી તેના મિત્રના ઘરે રોકાઈ હતી. ત્યારબાદ આફતાબ તેને સમજાવવા આવ્યો, તેની માફી માંગી અને કહ્યું કે તે ફરીથી આવી ભૂલ નહીં કરે. સમજાવટ બાદ શ્રદ્ધા ફરી તેની સાથે ચાલી ગઇ હતી.

માતાના મૃત્યુની જાણકારી મળતા જ શ્રદ્ધા ઘરે આવી હતી. ત્યારબાદ આફતાબ તેને ત્યાંથી લેવા આવ્યો હતો. પારિવારિક મિત્રએ દાવો કર્યો કે આ દરમિયાન જ્યારે શ્રદ્ધા ઘરે આવી ત્યારે તેણે તેના પિતાને આફતાબના હુમલા વિશે જણાવ્યું. પિતાએ તેને ફરીથી રોકાવા કહ્યું પરંતુ તે આફતાબ સાથે ચાલી ગઈ. આ પછી પિતા અને પુત્રી વચ્ચેની વાતચીત સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી.

Shah Jina