કૌશલ બારડ લેખકની કલમે

દિલ્હીમાં વધુ એક જવાન શહિદ : દુર્ગંધ મારતી ગટરમાંથી મળી આવી લાશ! વાંચો વિસ્તૃત અહેવાલ

દિલ્હીના અનેક ઇલાકાઓમાં રવિવારથી લઈને લાગલગાટ ત્રણ દિવસ સુધી હિંસા અને રમખાણોનો જે ચીલચીલો ચાલ્યો તેમાં જાણે દિલ્હીના ઉત્તર-પૂર્વીય વિસ્તારોના હાલ સિરીયા જેવા થઈ ગયા હોય તેવી તસ્વીરો જોવા મળી છે. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ નાગરિકતા સુધારણા કાનૂન(CAA)ના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા અને આ કાયદાનું સમર્થન કરી રહેલા લોકો વચ્ચે અથડામણો થઈ એમાં ઘણા નાગરિકો ઇજાગ્રસ્ત થયા છે અમુકે પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.

આ હિંસક અથડામણોમાં ઉગ્ર ઉપદ્રવીઓએ દેશનાં નિશાન કે વિધાનની શરમ રાખ્યા વગર સરેઆમ જંગલીઓને છાજે તેવું વર્તન કર્યું છે. અહીં પોલીસ જવાન રતનલાલ આ રમખાણોમાં શહિદ થઈ ગયા એ વાત તો કરેલી જ છે, પણ એનાથી પણ ખોફનાક બનાવ તો દિલ્હીના કરાવલ નગર વિસ્તારમાં વસ્તા ઇન્ટેલિજન્સ બ્યૂરો(IB)ના એક કર્મચારી સાથે બન્યો. અંકિત શર્મા નામના IBના હેડ કોન્સ્ટેબલ માટે ઉપદ્રવીઓ જીવલેણ નીકળ્યા!

ગટરમાંથી મળેલી અંકિતની લાશ:
ઉત્તર-પૂર્વીય દિલ્હીના કરાવલ નગર વિસ્તારમાં અંકિત શર્માનો પરિવાર રહે છે. આ સરકારી જવાનની લાશ એકદમ ગંધાતા ગટર જેવાં નાળાંનાં દુર્ગંધ મારતા પાણી અને કચરા વચ્ચે પડેલી હતી! અંકિત શર્માને આવા ક્રુર મોતે મારનાર પ્રદર્શનકારીઓનો વિરોધ કઈ ઢબનો છે એ વિશે શંકા થાય એ સ્વાભાવિક છે.

અંકિતની માતા માટે જીવવું દુષ્કર થઈ ગયું છે:
અંકિત શર્માનાં મૃત્યુની જ્યારથી તેમના પરિવારને ખબર પડી છે ત્યારથી તેમના માથે આભ તૂટી પડ્યું છે. તેમનો ભાઈ જણાવે છે કે, અમારું તો હવે બધું ખતમ થઈ ગયું! માતા કહે છે કે, ‘અંકિત ઘરે આવ્યો અને પાણી પણ પીધા વગર બહાર નીકળી ગયેલો. અમને કહી ગયો કે હમણાં આવું છું પણ એ પછી આવ્યો જ નહી!’ એમ કહીને એ બાઈ વારેવારે આક્રંદ કરે છે : મારા લાલ….મારા લાલ…એક વાર તો મને દર્શન દે!

ખૂની કોણ?:
આ સવાલના જવાબની હજુ પુષ્ટિ થઈ નથી. સોશિયલ મીડિયામાં પાછલાં બે દિવસથી એક વીડિઓ ખાસ્સો વાઇરલ થયો છે. જે આમ આદમી પાર્ટીના કાઉન્સિલર તાહિર હુસૈનનાં બહુમાળી ઘરની છતનો છે. એવું કહેવામાં આવી રહ્યું છે, કે આ ઘરની ઉપર ઉપદ્રવીઓનો જમાવડો થયો છે. અહીઁ રહેલા લોકો પથ્થરોના ઘા કરે છે એ પણ જોઈ શકાય છે.

દિલ્હીના કરાવલ નગર વિસ્તારમાં નહેરુ આવાસ નામે તાહિર હુસેનનો આ બંગલો છે. અંકિત શર્મા સહિતની ત્રણ વ્યક્તિઓને અમુક લોકો ઢસડીને તાહિર હુસૈનનાં ઘરમાં લઈ ગયા હતા – એવું નજરે જોયાનો અમુક લોકો દાવો પણ કરે છે. અંકિત શર્માની બેનનું માનવું છે, કે તેમના ભાઈની હત્યા તાહિર હુસૈનના લોકો દ્વારા જ કરવામાં આવી છે. હત્યા કરીને લાશને ફેંકી દીધી હોવાનો તાહિર હુસૈન પર લોકો આરોપ લગાવી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં આ બાબતને લઈ તાહિર હુસૈન વિશે ધડાધડ ખબર વાઇરલ થવા લાગી હતી. ટ્વીટર પર બે દિવસ તેમનાં નામનો ટ્રેન્ડ પણ રહ્યો હતો. આ પછી તાહિર હુસૈને પોતાના એક સબંધીના ઘરેથી વીડિઓ મૂક્યો કે, અંકિત શર્માની હત્યા મેં નથી કરી. હું એવું ઘૃણાજનક કૃત્ય કરી શકું નહી. હા, મકાનની છતવાળો વીડિઓ મારા ઘરનો જ છે પણ પથ્થરમારામાં હું શામેલ નહોતો.

હવે સત્ય છું છે એ તો આવનારો વખત જ બતાવશે! હવે આજે છેક પોલીસે તાહિર હુસૈનનાં નામે એફઆઇઆર રજીસ્ટર કરી છે. વધારે તો ઇનવેસ્ટીગેશન વખતે બધું ખૂલીને બહાર આવશે.

પણ એ ચર્ચા અત્યારે અસ્થાને છે. મુખ્ય મુદ્દો એ છે, કે શાંતિ સ્થાપવાનો પ્રયત્ન કરવા ગયેલા ઇન્ટેલિજન્સ બ્યૂરોના આ કર્મચારીની હત્યા કરીને દંગાઈઓને શું મળ્યું? આજે તેની બહેન, તેનો ભાઈ, તેની આધેડ માતા અને પિતા જે આક્રંદ કરે છે એ કઠણ કાળજાંવાળો માણસ પણ ઝીરવી ના શકે એવું છે. હજુ હમણાં સુધી પોતાનો દીકરો IBમાં છે એ વાતે ગજગજ છાતી ફૂલાવતી માને હવે તો એમ લાગતું હશે ને કે મારા પુત્રએ આ નોકરીમાં શું કામ આવ્યો? માની લ્યો કે, માતાને એના પુત્રનો ખૂની મળી પણ ગયો; છતાં એને જે ખોટ બેઠી છે એ કેમ કરીને પૂરાશે?
Author: કૌશલ બારડ: GujjuRocks Team